કાજલ ઓઝા વૈદ્ય સાથે પર્સ સ્નેચિંગ કરનારા બે આરોપી ઝડપાયા, ૧.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદમાં જાણીતી લેખિકા અને મોટિવેશનલ સ્પીકર કાજલ ઓઝા વૈદ્ય સાથે થયેલા પર્સ સ્નેચિંગ કેસનો પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે. ઝોન-૬ એલસીબીની ટીમે ૧૫૦થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ અને બાતમીદારોની મદદથી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

આરોપીઓ પાસેથી ૧.૭૦ લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.વ†ાપુર વિસ્તારમાં રહેતાં કાજલ ઓઝા વૈદ્ય ૫ ઓગસ્ટના રોજ મુંબઈના દાદરથી ટ્રેન મારફતે મણિનગર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ ઓટો રિક્ષામાં બેસીને પોતાના ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન ભુલાભાઈ ચાર રસ્તા નજીક બાઈક પર આવેલા બે શખ્સોએ તેમની રિક્ષાનો પીછો કરી નજીક આવી પર્સ ઝૂંટવી લીધું હતું. પર્સ સ્નેચિંગ બાદ બંને શખ્સો અંધારાનો લાભ લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ કાજલ ઓઝા વૈદ્યએ આ અંગે કાગડાપીઠ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.

પર્સ સ્નેચિંગની ઘટનાનો ભેદ ઉકેલવા ઝોન-૬ ટીમે ટેકનિકલ સર્વેલન્સ શરૂ કર્યું હતું. પોલીસે ઘટનાસ્થળથી આરોપીઓના ભાગવાના રૂટ પર આવેલા ૧૫૦થી વધુ કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. સાથે જ પોલીસે પોતાના બાતમીદારોના નેટવર્કને પણ સક્રિય કર્યું હતું. સીસીટીવી ફૂટેજ અને મળેલી બાતમીના આધારે પોલીસે આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી હતી. આખરે પોલીસે કાંકરિયા રેલવે યાર્ડ પાસેથી તનવીર શેખ અને ફેજાન સૈયદ નામના બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બંને આરોપીઓ મિત્રો હોવાનું મે આવ્યું છે. બંનેનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. આરોપીઓ મોજશોખ અને ખર્ચા માટે પૈસા મેળવવાના હેતુથી સ્નેચિંગ કરવા નીકળ્યા હતા. આ માટે તેમણે પોતાના મિત્રનું બર્ગમેન સ્કૂટર લીધું હતું. ત્યારબાદ તેઓ શહેરમાં સ્નેચિંગની તક શોધી રહ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી કુલ ૧.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ આ મુદ્દામાલમાં કઈ-કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે અને તેમાંથી કયો માલ કાજલ ઓઝા વૈદ્ય પાસેથી ઝૂંટવાયેલા પર્સ સાથે સંબંધિત છે તેની વધુ તપાસ ચાલી રહી છે.ઝડપાયેલા બંને આરોપીઓ સામે અગાઉ પણ અલગ-અલગ પોલીસ મથકોમાં ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, મણિનગર, નારોલ અને ખાડિયા સહિતના પોલીસ મથકોમાં બંને વિરુદ્ધ અગાઉ ગુના નોંધાઈ ચુક્યા છે. આરોપીઓની ધરપકડ બાદ પોલીસે તેમની ગુનાહિત પૃષ્ઠભૂમિ અને અન્ય સ્નેચિંગની ઘટનાઓમાં તેમની સંડોવણી અંગે પણ તપાસ શરૂ કરી છે.

શહેરમાં અગાઉ બનેલી અન્ય પર્સ સ્નેચિંગ કે ચોરીની ઘટનાઓ સાથે પણ બંને આરોપીઓનું કોઈ કનેક્શન છે કે નહીં તે અંગે પોલીસ પૂછપરછ કરી રહી છે કાજલ ઓઝા વૈદ્ય સાથે બનેલી ઘટનાનો ઝડપી પર્દાફાશ કરવા બદલ તેમણે અમદાવાદ પોલીસની કામગીરીની પ્રશંસા કરી અને પોલીસનો આભાર માન્યો હતો. કાગડાપીઠ પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ તપાસ આગળ વધતાં સ્નેચિંગની અન્ય ઘટનાઓ અંગે પણ વધુ ખુલાસા થવાની શક્યતા છે.