કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસમાંથી એક ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. સેલવાસના દાન હોટલ પાછળ આવેલા ભાડાના મકાનના બાથરૂમની બેગમાંથી મહિલાનો સડી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ સમાચાર બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતદેહ એટલી ખરાબ હાલતમાં હતો કે, તેની ઓળખવો પણ મુશ્કેલ બન્યો હતો. બનાવની જાણ થતાં જ સિલવાસા પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. જેમાં મહિલાનું નામ જ્યોતિકુમારી હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક માહિતી મુજબ, મકાનમાં રહેતા ભાડૂતે અંદાજે બે મહિના પહેલાં મકાનમાલિકને જણાવ્યું હતું કે, તે પોતાના વતન જઈ રહ્યો છે અને થોડા દિવસોમાં પરત આવશે. જાકે ત્યારબાદ તે પરત ફર્યો નહોતો. આ દરમિયાન છેલ્લા બે મહિનાથી મકાનનું ભાડું પણ ચૂકવવામાં આવ્યું ન હોવાનું સામે આવ્યું છે. મકાન સતત બંધ રહેતું હોવાથી અને અંદરથી અસહ્ય દુર્ગંધ આવતી હોવાથી મકાનમાલિકને શંકા ગઈ હતી. ત્યારબાદ તેણે ઘર ખોલીને અંદર તપાસ કરી હતી.
મકાનની તપાસ દરમિયાન ભારે દુર્ગંધ આવી રહી હતી. બાથરૂમમાં પડેલી સૂટકેસમાંથી એક યુવતીનો સડી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ એટલી ખરાબ હાલતમાં હતો કે, સ્થળ પર તેની ઓળખ શક્્ય બની નહોતી. મકાનમાલિકે તાત્કાલિક પોલીસને જાણ કરતાં સેલવાસ પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પ્રાથમિક અનુમાન મુજબ યુવતીનું મોત ઘણા અઠવાડિયા પહેલાં થયું હોઈ શકે છે, પરંતુ તેના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.સ્થાનિક સ્તરે એવી ચર્ચા ચાલી રહી છે કે મૃતક યુવતી મૂળ બિહારના નવાદા જિલ્લાની જ્યોતિ કુમારી હોઈ શકે છે. જાકે, પોલીસે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરી નથી.પોલીસ હાલ ફરાર ભાડૂઆતની શોધખોળ કરી રહી છે અને હત્યા સહિત તમામ સંભવિત પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધારી રહી છે. સમાચાર લખાઈ રહ્યા હતા ત્યાં સુધી પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.