ચાંદખેડામાં ૧૦ મિનિટમાં ૨૭.૫૦ લાખની ચોરી, ઘરઘાટી સીસીટીવીમાં કેદ થયો

શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી સેરેનિટી સ્પેશ સોસાયટીમાં વિશ્વાસનો ભંગ કરતી ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘરકામ માટે રાખવામાં આવેલા યુવકે માત્ર ૧૦ મિનિટમાં ઘરમાંથી અંદાજે ૨૭.૫૦ લાખની રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે આરોપી સુનિલ કલાસવા અને તેના બનેવી રાજુ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, બોપલ વિસ્તારમાં હેર સ્ટુડિયો ચલાવતા યતીન મેવાડાના ઘરે કામ કરતી મહિલા પોતાના વતન રાજસ્થાન ગઈ હોવાથી તેમણે સોસાયટીના વોટ્‌સએપ ગ્રૂપમાં ઘરકામ માટે વ્યક્તિની જરૂરિયાત અંગે સંદેશ મૂક્્યો હતો. ત્યારબાદ સોસાયટીની જ એક મહિલાની ભલામણથી સુનિલ કલાસવા નામનો યુવક કામ પર જાડાયો હતો. ક્્યારેક તેનો બનેવી રાજુ પણ તેની સાથે કામ કરવા આવતો હતો.

ઘટના સમયે યતીન મેવાડા અને તેમનો પરિવાર બહારગામ ગયો હતો. તેઓ ઘર બંધ કરીને ચાવી પડોશીને સોંપીને ગયા હતા. આરોપી સુનિલે સફાઈ કરવાના બહાને પડોશી પાસેથી ચાવી મેળવી ઘરમાં પ્રવેશ કર્યો અને કબાટનું લોકર તોડી અંદર રહેલા ૭ લાખ રોકડા તેમજ સોના-ચાંદીના દાગીના મળી કુલ અંદાજે ૨૭.૫૦ લાખની મતા ચોરી કરી લીધી.સાંજે પરિવાર ઘરે પરત ફર્યો ત્યારે કબાટનું લોકર તૂટેલું જાઈ ચોરીની જાણ થઈ હતી.

ત્યારબાદ સુનિલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેના બંને મોબાઈલ ફોન બંધ આવતા શંકા વધુ ગાઢ બની હતી.સોસાયટીના સીસીટીવી ફૂટેજની તપાસ દરમિયાન આરોપી સુનિલ ખાલી હાથે ઘરમાં પ્રવેશતો અને માત્ર ૧૦ મિનિટ બાદ બે થેલીઓ સાથે બહાર નીકળતો સ્પષ્ટ જાવા મળ્યો હતો. આ ફૂટેજના આધારે ચાંદખેડા પોલીસે સુનિલ કલાસવા અને તેના બનેવી રાજુ સામે ચોરીનો ગુનો નોંધ્યો છે. બંને આરોપીઓને ઝડપવા માટે અલગ-અલગ પોલીસ ટીમો બનાવવામાં આવી છે અને તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.