અમદાવાદમાં સીએનજી ભાવ વધારા સામે રિક્ષાચાલકોની હડતાળ, મુસાફરોને રસ્તામાં જ ઉતાર્યા !

સીએનજીના ભાવમાં થયેલા તાજેતરના વધારા સામે અમદાવાદમાં પ્રગતિ રિક્ષા એસોસિએશન દ્વારા આપવામાં આવેલી બે દિવસીય હડતાળને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં રિક્ષાચાલકો હડતાળમાં જાડાયા હતા, જ્યારે મોટાભાગના વિસ્તારોમાં રિક્ષા સેવા યથાવત્ ચાલુ રહી હતી.

જાકે, હડતાળને સફળ બનાવવા કેટલાક સ્થળોએ રિક્ષાચાલકોએ મુસાફરોને લઈ જતી રિક્ષાઓ રોકી મુસાફરોને રસ્તામાં જ ઉતારી દેતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.શહેરના વેજલપુર સહિત કેટલાક વિસ્તારોમાં રિક્ષાચાલકોના જૂથો રસ્તા પર ઉતર્યા હતા. હડતાળમાં સામેલ ન થયેલી રિક્ષાઓને રોકીને તેમાં બેઠેલા મુસાફરોને નીચે ઉતરવાની ફરજ પાડવામાં આવી હતી. જેના કારણે નોકરી-ધંધા અને અન્ય કામે નીકળેલા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.

સીએનજીના ભાવમાં ૪નો વધારો બન્યો વિરોધનું કારણ – રિક્ષાચાલકોના જણાવ્યા મુજબ ૧ ઓગસ્ટથી સીએનજીના ભાવમાં આશરે ૪ પ્રતિ કિલોનો વધારો કરવામાં આવ્યો છે. સતત વધી રહેલા ઇંધણના ભાવ સામે રિક્ષા ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, જેના કારણે તેમની આવક પર સીધી અસર પડી રહી છે.

રિક્ષાચાલકોનું કહેવું છે કે ટ્રાન્સપોર્ટ કમિશનર સાથેની બેઠકમાં રિક્ષા ભાડામાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ હજુ સુધી સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી. તેથી ભાડા વધારાનો અમલ તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.રિક્ષાચાલકોનું કહેવું છે કે, ભાડે રિક્ષા ચલાવતા ચાલકો માટે હાલની સ્થિતિમાં રોજનું ભાડું અને પરિવારનો ખર્ચ કાઢવો મુશ્કેલ બન્યો છે. જા સરકાર અને તંત્ર દ્વારા ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો અન્ય રિક્ષા યુનિયનોને સાથે રાખીને વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.