
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ડેડિયાપાડા કોર્ટે ફટકારેલી ૭ વર્ષની સજા મામલે ગુજરાત હાઇકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ચૈતર વસાવાએ ડેડિયાપાડા કોર્ટના સજાના હુકમને પડકારતા હાઇકોર્ટમાં અરજી કરી છે. અરજીમાં સજાના હુકમ પર સ્ટે મૂકવા તેમજ નીચલી અદાલતનો હુકમ રદ કરવાની માંગ કરવામાં આવી છે.
ગુજરાત હાઇકોર્ટમાં આજે આ અરજી પર ૨ કલાકથી વધુ સમય સુધી દલીલો ચાલી હતી. ચૈતર વસાવા તરફથી હાજર રહેલા વકીલ આઈ.એચ.સૈયદે કોર્ટ સમક્ષ અરજદારનો પક્ષ રજૂ કર્યો હતો. સજાના હુકમ સામે કાયદાકીય મુદ્દાઓ રજૂ કરીને ચૈતર વસાવાને રાહત આપવા તેમજ સજા પર સ્ટે મૂકવાની રજૂઆત કરવામાં આવી હતી.
ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં વનકર્મી પર હુમલો અને ખંડણીના કેસમાં ડેડિયાપાડાની અદાલતે અન્ય આરોપીઓ સાથે દોષિત ઠેરવી ૭ વર્ષની સજા ફટકારી હતી. આ સજાના હુકમ બાદ ચૈતર વસાવા સહિતના દોષિતોએ હાઇકોર્ટમાં અરજી કરીને સજા સામે રાહતની માંગ કરી છે.આજે હાઇકોર્ટમાં લાંબી દલીલો દરમિયાન અરજદાર પક્ષે સજા પર સ્ટે અને નીચલી અદાલતના હુકમને રદ કરવાની માંગને લઈને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.
અરજદારના વકીલ આઈ.એચ. સૈયદની દલીલો બાદ હવે સરકાર તરફથી રજૂ થનારો પક્ષ મહત્વપૂર્ણ રહેશે. સમગ્ર મામલે રાજ્ય સરકાર તરફથી હજુ દલીલો કરવામાં આવી નથી. આગામી સુનાવણી દરમિયાન સરકાર તરફથી ચૈતર વસાવાની અરજીનો વિરોધ કરવામાં આવે તેવી શક્્યતા છે અને સરકાર પોતાનો પક્ષ કોર્ટ સમક્ષ રજૂ કરશે. હાઇકોર્ટે હવે આ મામલે આગામી શુક્રવારે વધુ સુનાવણી નિયત કરી છે.