અમદાવાદની હોસ્પિટલો ઉભરાઈ; વરસાદી માહોલ બાદ જીવલેણ રોગનો ફૂંફાળો,સોલા સિવિલમાં જ ૧૩૬૯૦ કેસ

અમદાવાદમાં તાવ, ઝાડા-ઉલ્ટી અને મચ્છરજન્ય બીમારીઓના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. શહેરની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય વિષયક સ્થિતિ વણસી રહી હોવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ ૧૩,૬૯૦ કેસ નોંધાઈ ચૂક્યા છે. ગયા અઠવાડિયે જ્યાં દૈનિક/સાપ્તાહિક સ્તરે ૧૧૦૦ જેટલી ઓપીડી નોંધાતી હતી, તેમાં એક જ અઠવાડિયામાં ૨૦૦૦ જેટલા કેસોનો સીધો વધારો નોંધાયો છે.

ગયા અઠવાડિયાની સરખામણીએ ડેન્ગ્યુ અને મલેરિયા બંનેના કેસોમાં ૧૦-૧૦ કેસનો વધારો થયો છે. હોસ્પિટલમાં હાલ ડેન્ગ્યુના ૩૩ કેસ, ચિકનગુનિયાના ૧૫ કેસ, મલેરિયાના ૧૨ કેસ અને દૂષિત પાણીના કારણે થતા ઝાડા-ઉલ્ટીના ૧૪ કેસ નોંધાયા છે. સ્થાનિક હોસ્પિટલોમાં તાવ અને ઝાડા-ઉલ્ટીના દર્દીઓની લાંબી લાઈનો જાવા મળી રહી છે, જેના કારણે હોસ્પિટલ તંત્ર પર પણ ભારણ વધી ગયું છે.

દરમિયાન બીમારીના વધતા આંકડાને પગલે જામનગરમાં સ્થાનિક આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. મચ્છરોના ઉપદ્રવને રોકવા અને રોગચાળો આગળ વધતો અટકાવવા માટે તંત્ર દ્વારા ઘર-ઘર જઈને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોરાનાશક (અળસિયા/મચ્છરના લાર્વા નાશક) દવાનો છંટકાવ, ક્લોરિનેશન અને જે વિસ્તારોમાં પાણી ભરાયેલા છે ત્યાં ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

જામનગરમાં ચોમાસા દરમ્યાન રોગચાળાનો ખતરો વધતા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. ડેન્ગ્યુ અને મલેરિયા સહિતના રોગોને રોકવા સઘન આરોગ્ય સર્વે શરૂ કરવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકાની ૧૩ આરોગ્ય કેન્દ્રોની ૧૬૪ ટીમો દ્વારા ઘરે-ઘરે સર્વે કરાયો. છેલ્લાં એક સપ્તાહ દરમિયાન ૯૧,૧૨૬ ઘરોમાં આરોગ્ય તપાસ કરાઈ. ૧,૫૪૩ ઘરોમાં મચ્છરના લાર્વા મળી આવ્યા. ૨,૦૨૩ પાણી ભરાયેલા પાત્રોમાંથી લાર્વાનો નાશ કરાયો. ૪૭,૦૮૪ પાણીના પાત્રોમાં ટેમિફોસ દવાનો ઉપયોગ કરાયો.

જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના સર્વે દરમિયાન ૫૨૦ તાવ અને ૭૪ ઝાડાના દર્દીઓ મળી આવ્યા. ૪૧,૧૦૦ ક્લોરીન ટેબ્લેટ્‌સ અને ૨,૬૩૯ ઓઆરએસ પેકેટનું વિતરણ કરાયું. નાગરિકોને ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તે માટે અપીલ કરવામાં આવી. તાવ કે અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા આરોગ્ય વિભાગની સલાહ આપવામાં આવી છે. જ્યારે જામનગર જિલ્લામાં હજુ સુધી ચાંદીપુરા વાયરસનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.