મહીસાગર જીલ્લાના મનરેગા લોકપાલ યોગેશકુમાર દ્વારા તાલુકા સ્તરે પણ લોકોની રજૂઆતો સાંભળવા માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો

જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, લુણાવાડા ખાતે લોકપાલ તરીકે યોગેશકુમારની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકનો મુખ્ય ઉદ્દેશ મનરેગા હેઠળ શ્રમિકોને વેતન ન મળતું હોય, ઓછું મળતું હોય, ભ્રષ્ટાચાર થયો હોય કે રોજગારીમાં સમાવેશ ન થયો હોય તેવા ગ્રામજનોના પ્રશ્ર્નોનું નિવારણ લાવવાનો છે. જે અંતર્ગત મહીસાગર જીલ્લાના મનરેગા લોકપાલશ્રી દ્વારા તાલુકા સ્તરે પણ લોકોની રજૂઆતો સાંભળવા માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. લોકપાલશ્રી તારીખ 09/12/25 ના રોજ બપોરે 1:30 થી 2:30 કલાક દરમિયાન તાલુકા પંચાયત કચેરી, કડાણા ખાતે હાજર રહી ગ્રામજનોના પ્રશ્ર્નો તથા રજૂઆતો સાંભળશે.

કડાણા વિસ્તારના મનરેગા સંબંધિત કોઈપણ પ્રકારની રજૂઆત કે, ફરિયાદ ધરાવતા લાભાર્થીઓ અને નાગરિકો આ સમયગાળા દરમિયાન રૂબરૂ મુલાકાત લઈ પોતાની વાત જણાવી શકશે. મહીસાગર જીલ્લામાં જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ કરવામાં આવતી કામગીરીનું નિરીક્ષણ કરવા તથા પારદર્શિતા જાળવવા રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે . ગ્રામજનો હવે લોકપાલશ્રી સમક્ષ પોતાની રજૂઆત કરી શકશે.

મનરેગા હેઠળ કામ કરતા શ્રમિકોને વેતન, અનિયમિતતા, ગેરરીતિ કે ભ્રષ્ટાચાર સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો કોઈપણ વ્યક્તિ લોકપાલશ્રી સમક્ષ ફરિયાદ નોંધાવી શકે છે. ફરિયાદ નોંધાવવા માટે જીલ્લા પંચાયત, લુણાવાડા ખાતે આવેલી જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરીએ રૂબરૂ મળી શકાય છે અથવા પત્ર દ્વારા લેખિત ફરિયાદ પણ કરી શકાય છે. આ વ્યવસ્થા દ્વારા યોજનાના અમલીકરણમાં આવતી મુશ્કેલીઓને દૂર કરવા માટે સીધો સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે.