છોટાઉદેપુર જિલ્લામાં આર.બી.એસ.કે.-રાષ્ટ્રિય બાલ સુરક્ષા કાર્યક્રમ ના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ૫૦ જેટલા કર્મચારીઓનો પગાર ગ્રાન્ટ ન આવતા બે માસથી થયો નથી. આગામી દિવસોમાં હોળી-શિવરાત્રિના પર્વ આવી રહ્યા છે. જે વર્ષના મોટા તહેવારો આદિવાસી જિલ્લાના ગણવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લાના સાત તાલુકામાં આર.બી.એસ.કે.(રાષ્ટ્રિય બાલ સુરક્ષા કાર્યક્રમ)ના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓને છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા ૫ગાર ચુકવવામાં આવે છે.બે માસથી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં ગ્રાન્ટ ન ફળવાતા હાલ આરોગ્ય કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ કર્મચારીઓને સૌથી ઓછો પગાર હોય છે. જેમાં ધર ચલાવવુ મુશ્કેલ હોય છે. ત્યારે સમયસર પગાર ન થતાં કર્મચારીઓમાં નારાજગી વ્યાપી છે. આગામી દિવસોમાં શિવરાત્રિ તેમજ હોળીનો પર્વ અને લગ્નગાળાની સીઝન ચાલતી હોવાથીઆ કર્મચારીઓને નાણાંની જરિયાત વધારે ઉભી થાય છે. તેવામાં સમયસર પગાર ન થતાં મુશ્કેલીમાં મુકાયા છે. રાજય સરકારે આવા કર્મચારીઓને વહેલી તકે પગાર ચુકવવો જોઈએ. જેનાથી તહેવારોની ઉજવણીમાં મુસીબત ન પડે તેવી માંગ ઉઠવા પામી છે.