ઝાલોદના મુવાડા વિસ્તારમાં પ્રાઈવેટ ફાયનાન્સ કંપનીની બોગસ ઓફિસ ઉભી કરી ફુલપુરા તળ ગ્રામ પંચાયતના સરપંચ તથા તેમના ૫રિવારને મોટી લોન અપાવવાની લોભામણી લાલચ આપી રૂ.૫.૩૧ લાખ પડાવી લેનાર કોૈભાંડી ઠગ ટોળકી સામે ઝાલોદ પોલીસે લાલ આંખ કરી ત્વરિત કાર્યવાહી હાથ ધરીને છેતરપિંડીમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જયારે ગોધરાનો મુખ્ય સુત્રધાર હજુ પણ પોલીસ પકડથી દુર છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ફુલપુરા ગ્રામ પંચાયતના સરપંચ અને આદિવાસી મહાસંઘના પ્રમુખ હવસીંગભાઈ કાળિયાભાઈ ભુરીયા અવાર નવાર ઝાલોદના મુવાડા ખાતે આવેલી આદિવાસી ગ્રીન સોસાયટીની ઓફિસ નજીકથી પસાર થતા હતા. આ દરમિયાન ત્યાં પ્રાઈવેટ ફાયનાન્સ કંપનીના નામે ધમધમતી બોગસ ઓફિસના સંચાલકો સાથે તેમનો સંપર્ક થયો હતો. આરોપીઓએ સરપંચને હોમ લોન, મોર્ગેજ લોન, સેન્ટિંગ સામાન માટેની લોન તથા પ્રિ-અપ્રુવ્ડ લોન સરળતાથી અપાવવાની જાળ ફેંકી વિશ્ર્વાસમાં લીધા હતા. આરોપીઓએ પોતાની મુખ્ય ઓફિસ ગોધરા ખાતે હોવાનુ અને રવિરાજ મેહુલીયા નામનો મેનેજર લોન મંજુર કરતો હોવાની માહિતી આપી હતી. ત્યારબાદ આરોપીઓએ સરપંચ હવસીંગભાઈ તેમના પરિવારજનો અને ગામના અન્ય લોકો પાસેથી લોનના દસ્તાવેજો તથા ઓટીપી મેળવી લીધા હતા. ફાઇલ ચાર્જ અને જીએસટીના નામે અવાર નવાર ટુકડે ટુકડે .૩.૫૦ લાખ રોકડા પડાવી લીધા હતા. આટલેથી ન અટકતા વધુ લોન મંજુર કરાવવાના બહાને મુકેશભાઈના નામે .૨ લાખની લોન પાસ કરાવી તેમાંથી .૧.૧૮ લાખ ફોન-પે દ્વારા પોતાના ખાતામાં ટ્રાન્સ્ફર કરાવ્યા હતા. આમ અલગ અલગ બહાના હેઠળ કુલ .૫.૩૧ લાખ ખંખેરી લીધા બાદ ચારેય ઠગ ઓફિસને તાળા મારી ગાયબ થઈ ગયા હતા. નાણાં કે લોન અંગે ઉઘરાણી કરતા ભોગ બનનારને જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ આપવામાં આવતી હતી.