ગોધરાના ફુલ સૈયદ સોસાયટી નજીક નદીમાં કાટમાળ ઠાલવવા આવેલા છકડા ચાલકને સ્થાનિકોએ ભગાડ્યો

ગોધરા શહેરના ફુલ સેૈયદ સોસાયટી નજીકથી પસાર થતી મેશરી નદીના કિનારે પટની બહાર આવેલા નિર્જન વિસ્તારમાં ગંદકી ફેલાવવાનો પ્રયાસ સ્થાનિકોની સતર્કતાના કારણે નિષ્ફળ રહ્યો હતો. એક અજાણ્યો ઈસમ પોતાના છકડામાં માટી અને બાંધકામનો કાટમાળ ભરીને આ ખુલ્લી જગ્યામાં ઠાલવવા માટે આવ્યો હતો ત્યારે આ વિસ્તારમાં સ્વચ્છતાં જળવાઈ રહે તે હેતુથી હજુ થોડા જ દિવસો અગાઉ ગોધરા નગરપાલિકા દ્વારા સમગ્ર જગ્યા સાફ કરાવવામાં આવી હતી. પાલિકાની મહેનત બાદ ફરીથી આ જ જગ્યાએ જાહેરમાં કચરો ખાલી કરવાની પેરવી કરી રહેલા છકડા ચાલક પર આસપાસના સ્થાનિક રહિશોની નજર પડી ગઈ હતી. નદી કિનારાના વિસ્તારને ફરી કચરાપેટી બનતો અટકાવવા માટે તાત્કાલિક મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. તેઓએ છકડા ચાલકને ઘેરી લઈ જાહેરમાં ગંદકી કરવા બાબતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન સ્થાનિકો અને છકડા ચાલક વચ્ચે થોડીવાર ભારે બોલાચાલી થઈ હતી. આખરે લોકોનો ભારે રોષ આગળ નમતુ જોખીને છકડો લઈને આવેલ ઈસમ કચરો ઠાલવ્યા વિના જ ત્યાંથી જતો રહ્યો હતો.