
કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કરજુન ગામે પતિ-પત્ની વચ્ચેના ઘરેલુ વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સુરેશ લક્ષ્મણભાઈ વાઘમારે પર તેમની પત્ની આનંદીબેનની લાકડીના ફટકા મારી હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ, દારૂ પીવાની ટેવ અને ઘરકામના મુદ્દે બંને વચ્ચે લાંબા સમયથી તકરાર ચાલતી હતી. ઘટનાના દિવસે વહેલી સવારે થયેલી બોલાચાલી બાદ પત્ની પર લાકડીથી હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. પોલીસે આ મામલે આરોપી પતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ સુરેશ વાઘમારે સરવરટાટી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમના લગ્ન આનંદીબેન સાથે થયા હતા. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આનંદીબેનને દારૂ પીવાની ટેવ હતી અને તેઓ ક્્યારેક ઘરેથી બહાર પણ જતા રહેતા હતા. આ બાબતને લઈને દંપતી વચ્ચે અવારનવાર તકરાર થતી હતી. ઘરેલુ વિવાદ વધતા અગાઉ બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. જાકે, ત્યારબાદ પણ દંપતી વચ્ચેના મતભેદ સંપૂર્ણપણે શમ્યા ન હોવાનું સામે આવ્યું છે.
ઘટનાના દિવસે આનંદીબેન વહેલી સવારે આશરે ૫ વાગ્યે ઘરે પરત આવ્યા હતા. ત્યારબાદ દારૂ પીવાની ટેવ સહિતના મુદ્દાને લઈને પતિ-પત્ની વચ્ચે ફરી બોલાચાલી થઈ હતી. આ દરમિયાન મામલો ઉગ્ર બન્યો અને પોલીસ ફરિયાદ મુજબ સુરેશ વાઘમારેએ લાકડી વડે પત્ની પર હુમલો કર્યો હતો. માથા અને પેટના ભાગે ગંભીર ઈજા થતાં આનંદીબેનનું મોત થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ ગઈ હતી.
પોલીસ ફરિયાદ અનુસાર, ઘટના બાદ આરોપીએ કથિત રીતે લોહીવાળા કપડાં સંતાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેણે પોતાના પુત્ર પ્રવીણ વાઘમારેને ‘તમારી મમ્મી જાગતી નથી’ તેમ જણાવ્યું હતું. પુત્ર ઘરે પહોંચ્યો ત્યારે તેની માતા મૃત હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ પ્રવીણે તાત્કાલિક કપરાડા પોલીસનો સંપર્ક કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
ઘટનાની માહિતી મળતાં કપરાડા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજા મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ ઉપરાંત ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા હત્યામાં વપરાયેલી લાકડી અને અન્ય સંબંધિત સામગ્રી અંગે તપાસ કરવામાં આવી રહી છે.પુત્ર પ્રવીણ વાઘમારેની ફરિયાદના આધારે કપરાડા પોલીસે આરોપી સુરેશ વાઘમારે સામે હત્યા તેમજ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવા સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીની અટકાયત કરી છે અને સમગ્ર ઘટનાની કડી જાડવા માટે વધુ તપાસ શરૂ કરી છે. તપાસના ભાગરૂપે પોલીસ હત્યા પાછળનું ચોક્કસ કારણ, અગાઉના ઘરેલુ વિવાદો તેમજ ઘટનાના દિવસે શું બન્યું હતું તેની વિગતો મેળવી રહી છે. સાથે જ હત્યામાં વપરાયેલ હથિયાર અને કપડાં સહિતના પુરાવા પણ તપાસ હેઠળ છે.