
વડોદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ₹35 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને રાષ્ટ્રને સમર્પણનો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે વડોદરા અને મધ્યપ્રદેશના ટાંડા રોડ વચ્ચે નવી પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરાઈ.
આ સાથે જ, છોટાઉદેપુર-ધાર રેલવે પ્રોજેક્ટના ભાગરૂપે જોબટ-ટાંડા રોડ નવી રેલવે લાઇન પણ રાષ્ટ્રને સમર્પિત કરાઈ. આ નવી રેલવે કનેક્ટિવિટી ગુજરાત અને મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારોને રાષ્ટ્રીય રેલ નેટવર્ક સાથે જોડવામાં મદદ કરશે.
નવી ટ્રેન સેવા શરૂ થતાં બોડેલી, છોટાઉદેપુર સહિત સમગ્ર આદિવાસી પટ્ટામાં ખુશી જોવા મળી. ગુજરાત અને મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારોને સીધી અને સરળ રેલવે કનેક્ટિવિટી મળતાં શિક્ષણ, રોજગાર, વેપાર અને અવરજવરની નવી તકો ઊભી થવાની શક્યતા છે.
બોડેલી રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરોએ આ રેલવે સેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો. તેમણે છોટાઉદેપુર અને મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તાર માટે આ દિવસને વિકાસની નવી કડી ગણાવ્યો. નવી રેલવે કનેક્ટિવિટીથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારો વચ્ચેના સંબંધો મજબૂત બનશે. તેનાથી વિકાસને પણ નવી ગતિ મળશે.