
રાયપુરમાં ટીમ ઇન્ડિયાના હાથમાંથી જીતેલી મેચ સરકી ગઈ. દક્ષિણ આફ્રિકાએ ભારતીય ટીમને આશ્ર્ચર્યચક્તિ કરીને બુધવારે બીજી વન-ડે મેચમાં ૪ વિકેટે હાર આપી. આ સાથે જ મહેમાન ટીમે ત્રણ મેચની વન-ડે સિરીઝમાં ૧-૧ થી બરાબરી કરી લીધી છે. હવે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ ૬ ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાશે, ત્યારબાદ પાંચ ટી-૨૦ મેચની સિરીઝનું આયોજન થશે.
વિરાટ કોહલી (૧૦૨) અને ૠતુરાજ ગાયકવાડ (૧૦૫)ની સદીના દમ પર ભારતે દક્ષિણ આફ્રિકા સામે રાયપુરમાં રમાયેલી બીજી વન-ડે મેચમાં પ્રથમ બેટિંગ કરતા ૫૦ ઓવરમાં ૫ વિકેટે ૩૫૮ રનનો સ્કોર બનાવ્યો અને દક્ષિણ આફ્રિકા સામે જીતવા માટે ૩૫૯ રનનો લક્ષ્યાંક મૂક્યો. ટીમ ઇન્ડિયાને પોતાની જીતનો ૧૦૦ ટકા વિશ્ર્વાસ હતો, પરંતુ દક્ષિણ આફ્રિકાએ ૪૯.૨ ઓવરમાં ૬ વિકેટે ૩૬૨ રન બનાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો. દક્ષિણ આફ્રિકાએ બીજી વન-ડે મેચ ૪ વિકેટથી જીતીને ત્રણ મેચની વન-ડે સિરીઝ ૧-૧ થી બરાબર કરી લીધી છે.
એક ખેલાડી ટીમ ઇન્ડિયાની હારનો સૌથી મોટો વિલન સાબિત થયો છે. આ ખેલાડીના નબળા પ્રદર્શનને કારણે ભારતે રાયપુરમાં જીતેલો મેચ ગુમાવી દીધો. ટીમ ઇન્ડિયાનો આ લોપ ખેલાડી બીજો કોઈ નહીં પણ ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા છે. પ્રસિદ્ધ કૃષ્ણાએ દક્ષિણ આફ્રિકા સામે રાયપુરમાં રમાયેલી બીજી વન-ડે મેચમાં ૨ વિકેટ જરૂર ઝડપી, પરંતુ તેના માટે તેણે પાણીની જેમ રન વહાવી દીધા. પ્રસિદ્ધ કૃષ્ણાએ દક્ષિણ આફ્રિકા સામેની બીજી વન-ડે મેચમાં ૮.૨ ઓવરમાં ૮૫ રન લુટાવ્યા. આ દરમિયાન પ્રસિદ્ધ કૃષ્ણાનો ઇકોનોમી રેટ ૧૦.૨૦ નો રહ્યો છે.
દક્ષિણ આફ્રિકા સામે રાયપુરમાં રમાયેલી બીજી વન-ડે મેચમાં પ્રસિદ્ધ કૃષ્ણા ભારતીય બોલરોમાં સૌથી વધુ રન લુટાવનાર બોલર રહ્યા. પ્રસિદ્ધ કૃષ્ણાના ખરાબ પ્રદર્શન બાદ હવે તેના વન-ડે કરિયર પર પણ તલવાર લટકી રહી છે. મોહમ્મદ શમી જેવા ઘાતક અને અનુભવી ફાસ્ટ બોલર ટીમ ઇન્ડિયામાં બહાર બેસીને તકની રાહ જોઈ રહ્યા છે. જો મોહમ્મદ શમી દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની વન-ડે સિરીઝમાં રમી રહ્યા હોત, તો ટીમ ઇન્ડિયાનો બોલિંગ એટેક ઘણો મજબૂત હોત.