સુરતઃ કામરેજમાં નકલી તેલ બનાવવાનું કારખાનું ઝડપાયું, ૨૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

સુરતના કામરેજ વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતું મોટું કૌભાંડ સામે આવ્યું છે. કામરેજમાં નવાગામ સ્થિત નવકાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી નકલી તેલ બનાવવાનું કારખાનું ઝડપાયું છે. ગાંધીનગર ક્રાઇમ અને સુરત જિલ્લા ગ્રામ્ય અન્ન અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સંયુક્ત રીતે હાથ ધરેલી કાર્યવાહીમાં ૨૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું છે.

આ અંગે વિગતવાર માહિતી આપતા સુરત ફૂડ સેફ્ટી ઓફિસર ટી. કે. નાગરે જણાવ્યું હતું કે, ગાંધીનગર ક્રાઈમ અને આરોગ્ય મંત્રીની સૂચનાના આધારે આ રેડ કરવામાં આવી હતી. કામરેજના નવાગામ ખાતે ‘શિવ ટ્રેડિંગ કંપની’ નામે ધમધમતા આ કારખાનામાં જયેશભાઈ હીરપરા દ્વારા સિંગતેલ અને અન્ય ખાદ્ય તેલોનું પેકિંગ અને વેચાણ કરવામાં આવતું હતું. તપાસ દરમિયાન આ કારખાનામાં ‘સન પ્લસ’, ‘સૌરાષ્ટÙ સિંગતેલ’ અને ‘પલ સિંગતેલ’ જેવી નામાંકિત બ્રાન્ડના સ્ટીકરો નકલી ડબ્બા પર લગાવીને તેલનું વેચાણ કરવામાં આવતું હોવાનું પર્દાફાશ થયો છે.

તંત્ર દ્વારા સ્થળ પર કરવામાં આવેલી તપાસ અને રેડ દરમિયાન મોટા પ્રમાણમાં શંકાસ્પદ અને નકલી તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

સિંગતેલઃ અંદાજે ૫૦૦ કિલોગ્રામ (કિંમત ૧,૦૭,૦૦૦)

કપાસિયા તેલઃ ૭૦૩ કિલોગ્રામ (કિંમત ૧,૨૯,૦૦૦)

સનફ્લાવર તેલઃ અંદાજે ૫૪૦ કિલોગ્રામ (કિંમત ૧,૧૪,૦૦૦)

સોયાબીન તેલઃ અંદાજે ૧૨,૦૦૦ કિલોગ્રામ (કિંમત ૧૬,૮૦,૦૦૦)

આ પ્રકારે કુલ ૨૦,૩૦,૦૦૦/-ની કિંમતનો તૈયાર માલ અને સાધન સામગ્રી ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સીઝ કરવામાં આવી છે.

તંત્ર દ્વારા જપ્ત કરાયેલા જથ્થાના પૃથ્થકરણ માટે રિપોર્ટ કઢાવવામાં આવ્યા છે અને આ સમગ્ર કૌભાંડ આચરનાર જયેશ હીરપરા સામે કાયદેસરની સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.