
ગુજરાતમાં ન્યાયતંત્ર અને કાયદો-વ્યવસ્થાના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ દાખલો બેસાડતો ફેંસલો સામે આવ્યો છે. તાજેતરના કલોક પોક્સો કેસ મામલે ચાર્જશીટ રજૂ થયાના માત્ર ૪૮ કલાકમાં સમગ્ર સુનાવણી પૂર્ણ કરી આરોપી ગુફરાન પઠાણને ૨૦ વર્ષની સખત કેદ ફટકારવામાં આવી છે, જેને રાજ્ય સરકારે બાળકોની સુરક્ષા માટે મોટું પગલું ગણાવ્યું છે.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કલોલ કોર્ટના આ રેકોર્ડબ્રેક ચુકાદાને આવકારતાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે રાજ્યમાં મહિલાઓ અને માસૂમ બાળકોની સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ઝડપી તપાસ, મજબૂત પુરાવા અને ત્વરિત ન્યાય અપાવવો એ ગુજરાત સરકાર અને રાજ્ય પોલીસ દળની પ્રતિબદ્ધતા છે.
તેમણે તપાસ કરનાર સાંતેજ પોલીસ ટીમ અને સરકારી વકીલની કામગીરીની પ્રશંસા કરતાં ઉમેર્યું કે ગુનેગારોમાં કાયદાનો ભય સ્થાપિત થાય અને પીડિતાને કોઈ પણ વિલંબ વિના ઝડપથી ઇન્સાફ મળે તે દિશામાં આ ફેંસલો માઇલસ્ટોન સાબિત થશે. સરકાર આવા જઘન્ય અપરાધો સામે ઝીરો ટોલરન્સ નીતિ સાથે આગળ વધી રહી છે.
કલોલની ત્રીજી સેશન્સ કોર્ટમાં ચાલેલા પોક્સો કેસ નંબર ૨૦/૨૦૨૬ માં ન્યાયાધીશ બી. આર. રાજપૂતે દેશમાં કદાચ પ્રથમવાર બનેલી ઘટના અંતર્ગત ચાર્જશીટ ફાઇલ થયાના માત્ર ૪૮ કલાકમાં ફેંસલો સંભળાવ્યો છે. કોર્ટના કામકાજના માત્ર ૧૬ કલાકના સમયગાળામાં સમગ્ર સુનાવણી પૂર્ણ કરવામાં આવી હતી.
અદાલતે આરોપી ગુફરાન મોજાહિદ પઠાણ (ઉંમર વર્ષ ૨૨)ને પોક્સો એક્ટની કલમ ૬ હેઠળ દોષિત ઠેરવી ૨૦ વર્ષની સખત કેદ અને રૂ. ૨ લાખનો દંડ ફટકાર્યો છે. જો આરોપી નિયત ૩૦ દિવસમાં દંડની રકમ જમા ન કરાવે તો તેણે વધુ ત્રણ માસની સાદી કેદ ભોગવવી પડશે. આ ઉપરાંત ભોગ બનનાર સગીરાને શારીરિક-માનસિક આઘાતમાંથી બહાર લાવવા સહાયરૂપે ગુજરાતની ભોગ બનનારને વળતર આપવાની યોજના-૨૦૧૯ હેઠળ રૂ. ૨ લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કરાયો છે.
આ મામલાની વિગત એવી છે કે આરોપી ગુફરાન પઠાણે ૧૭ વર્ષ અને ૨ માસની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની ખોટી લાલચ આપી હતી. ત્યારબાદ વાલીપણામાંથી લલચાવી-ફોસલાવી તેનું અપહરણ કરી વારંવાર શારીરિક શોષણ આચર્યું હતું.સાંતેજ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.આર. મુછાળ, પીઆઈ એસ.આર. ચૌધરી અને ટીમે માત્ર ગણતરીના દિવસોમાં સચોટ પુરાવા એકત્ર કરી ચાર્જશીટ રજૂ કરી હતી.
સરકારી વકીલ જિજ્ઞેશ એચ. જોશીની દલીલોને આધારે તમામ મહત્વના સાક્ષીઓની જુબાની એક જ દિવસમાં નોંધી લેવાઈ હતી, જેમાં તમામ સાક્ષીઓએ સરકાર પક્ષને મજબૂત ટેકો આપ્યો હતો.
ન્યાયાધીશ બી. આર. રાજપૂતે પોતાના ઐતિહાસિક ચુકાદાની શરૂઆત નારી ગૌરવ અને મહત્વ દર્શાવતા પવિત્ર શ્લોક સાથે કરી હતી. અદાલતે ચુકાદામાં મહત્વનું અવલોકન નોંધતાં જણાવ્યું હતું કે બાળકો ખીલીને પુખ્ત વયે રાષ્ટ્રના જવાબદાર નાગરિક બને અને સ્વસ્થ સમાજનું ઘડતર થાય તેવા ઉદ્દેશ્યથી પોક્સો કાયદો ઘડાયો છે.
કોર્ટે ટાંકયું હતું કે માસૂમ બાળકો પર થતા આવા અમાનવીય માનસિક અને શારીરિક અત્યાચારો તંદુરસ્ત સમાજના અસ્તિત્વ સામે મોટો ખતરો છે. ચાર્જશીટ પછી માત્ર ૪૮ કલાકમાં કેસનો નિકાલ દેશની ન્યાય વ્યવસ્થામાં એક વિશિષ્ટ સીમાચિહ્ન બની રહેશે.