સિંગવડમાં દિવાળીની ખરીદીને લઈ લોકો ઉમટી પડતા ટ્રાફિક સમસ્યા સર્જાઈ

દિવાળીની ખરીદી માટે ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો આવતા સિંગવડ બજારમાં ટ્રાફિક વધ્યો છે. વહેલી સવારથી વાહનચાલકોને બજારમાંથી પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે.નીચવાસ બજારમાં બેંક ઓફ બરોડા અને પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકની આગળ નાના વાહનો આડેધડ પાર્ક થાય છે. તેનાથી બીજા વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડે છે.ખેડૂતો ખેતપેદાશો વેચવા મોટાં માલવાહક વાહનો લઈને બજારમાં આવે છે. દિવાળીની ખરીદી માટે ગામડાંઓમાંથી આવતા લોકો પણ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

ચુંદડી રોડ, માતાના પાલ્લા રોડ અને પીપલોદ રોડ પર પણ વાહનો આડેધડ પાર્ક થાય છે. ચુંદડી રોડ અને નીચવાસ બજારમાંથી નીકળવાનું ખુબજ મુશ્કેલ થયું છે.બજારમાં ટ્રાફિકની સમસ્યા હોવા છતાં જવાબદાર તંત્રએ યોગ્ય વ્યવસ્થા કરી નથી, જેને કારણે લોકોમાં નારાજગી છે.

લોકોની માંગ છે કે, નીચવાસ બજારમાં બેંક ઓફ બરોડા, પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક અને અનાજના વેપારીઓની દુકાનો આગળ વાહનોનું વ્યવસ્થિત પાર્કિંગ કરાવવામાં આવે. ટ્રાફિક નિયંત્રણ માટે પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવે.

દિવાળીના તહેવાર દરમિયાન ટ્રાફિકની સમસ્યા દૂર કરવા જવાબદાર તંત્ર તાત્કાલિક ધ્યાન આપે તેવી લોકોની માંગ છે.