સીંગવડના હિરાપુર ગામે કપાસ અને ભીંડાના પાકની વચ્ચેથી ૪૦ લાખના લીલા ગાંજાના છોડ સાથે આરોપીની ધરપકડ

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના હિરાપુર ગામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દરોડો પાડીને ખેતરમાં શાકભાજી અને કપાસના પાકની આડમાં ચાલતી ગેરકાયદેસર લીલા ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી ૬૦ વર્ષિય વૃદ્ધ ખેડુતની અટકાયત કરી ૮૦ કિલોથી વધુ વજન ધરાવતા ૧૮૫ નંગ લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા છે. જેની બજાર કિ રૂ.૪૦,૪૧,૫૦૦/-આંકવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હિરાપુર ગામના ખુણી ફળિયામાં રહેતા ૬૦ વર્ષિય ખેડુત સબુરભાઈ જોખનાભાઇ ભગોરાના કબ્જા ભોગવટાવાળા ખેતરમાં કપાસ અને ભીંડાના પાકની વચ્ચે તેમજ મકાનની પાછળ પાળા પર ચતુરાઈપુર્વક ગાંજાના છોડ ઉગાડવામાં આવ્યા હતા. એસઓજીની ટીમે દરોડો પાડી તપાસ હાથ ધરતા કપાસના પાક વચ્ચેથી ૧૧૩ છોડ, ભીંડાના પાક વચ્ચેથી ૨૬ છોડ અને મકાન પાછળના પાળા પરથી ૪૬ મળી કુલ ૧૮૫ લીલા ગાંજાના છોડ ઝડપી પાડ્યા હતા. ધટના સ્થળે બોલાવાયેલા એફએસએલ અધિકારી ડો.પ્રજ્ઞેશ જોશીએ નાર્કોટિકસ કિટ વડે પ્રાથમિક પરીક્ષણ કરતા જપ્ત કરાયેલા છોડવામાં મારિજુઆના(ગાંજો)ધટકની હાજરી હોવાનુ ક્ધફર્મ થયુ હતુ. પોલીસે તોલમાપ કરાવીને ૮૦.૮૩૦ કિ.ગ્રા.વજન ધરાવતો મુદ્દામાલ, સેમ્પલ અને દસ્તાવેજો કબ્જે કર્યા હતા. જમીનના દસ્તાવેજોની ચકાસણીમાં સર્વે નં.-૯૮ અને ખાતા નં.-૧૪૫ની જમીન સંયુકત ખાતેદારોના નામે હોવાનુ અને સબુરભાઈ ભગોરાના કબ્જા હેઠળ હોવાનુ સામે આવ્યુ હતુ. રંધિકપુર પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એકટની કલબ ૮(બી)અને ૨૦(એ)હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.