
જમ્મુ અને કાશ્મીર વક્ફ બોર્ડના પ્રસ્તાવ પર રાજકીય અને ધાર્મિક વિવાદ ફાટી નીકળ્યો છે, જેમાં વક્ફના અધિકારક્ષેત્ર હેઠળની તમામ મસજીદોમાં શુક્રવારનું ઉપદેશ વક્ફ દ્વારા પસંદ કરવાનું કહેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાથી લઈને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તી સુધી, અને અનેક ધાર્મિક અને રાજકીય હસ્તીઓએ તેનો વિરોધ કર્યો છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે મુસ્લીમોની ધાર્મિક બાબતોમાં દખલ કરવાનો ભાજપનો આ અસ્વીકાર્ય પ્રયાસ છે અને તેને કોઈપણ સંજાગોમાં સ્વીકારવામાં આવશે નહીં. ભાજપ દ્વારા નિયુક્ત અધ્યક્ષે પોતાના માલિકોને ખુશ કરવાના આ દુષ્ટ પ્રયાસને તાત્કાલિક બંધ કરવો જોઈએ.
દરમિયાન, પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ પણ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે ભાજપ પાસે મુસ્લીમોને હેરાન કરવા અને તેમની ધાર્મિક બાબતોમાં દખલ કરવા સિવાય બીજું કોઈ કામ નથી. ક્યારેક મસ્જીદો તોડી પાડવામાં આવી રહી હોવાના અહેવાલો છે, તો ક્યારેક દરગાહો પર વિવાદો છે.
તેમણે કહ્યું કે પહેલા સમાન નાગરિક સંહિતાની વાત થઈ હતી, અને હવે ધાર્મિક બાબતોમાં પણ એકરૂપતા લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. મસ્જીદો આપણા વિશ્વાસ અને લોકોના યોગદાન પર બનાવવામાં આવી હતી. ત્યાંના મૌલવીઓ અને ઇમામો તેમના ઉપદેશોમાં શું કહેવું તે સારી રીતે જાણે છે. હવે, એવું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જ્યાં ભાજપ અથવા આરએસએસ કાર્યાલય નક્કી કરશે કે શુક્રવારના ઉપદેશમાં ઇમામ સાહેબ શું કહેશે. અમે કોઈપણ સંજાગોમાં આવી દખલગીરી સ્વીકારતા નથી.
મહેબૂબા મુફ્તીએ વધુમાં જણાવ્યું હતું કે, “અમે વક્ફ બિલ સામે વાંધો નોંધાવવા માટે વિધાનસભામાં એક ઠરાવ પણ રજૂ કર્યો હતો. અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે કોઈપણ પક્ષ કે સરકારને આ રીતે કોઈપણ ધર્મના ધાર્મિક મામલાઓમાં દખલ કરવાનો અધિકાર ન હોવો જોઈએ. જો કોઈ વિસ્તારમાં કોઈ ઘટના બને છે, તો ઇમામ સાહેબ તેમના ઉપદેશમાં તેની ચર્ચા કરે છે. જો સરકાર ઉપદેશોમાં એકરૂપતા લાવવા માંગતી હોય અને કોઈ ચોક્કસ મુદ્દા પર દરેક જગ્યાએ ચર્ચા થાય તેવું ઇચ્છતી હોય, તો મીરવાઇઝ ઉમર ફારૂક સાહેબના નેતૃત્વ હેઠળના મજલિસ-એ-મુત્તાહિદા મજલિસ-ઉલ-ઉલેમા સાથે ચર્ચા કરી શકાય છે. ધાર્મિક બાબતો પર નિર્ણય લેતી વખતે સંબંધિત ધાર્મિક વિદ્વાનોની સલાહ લેવી જાઈએ.”
તેમણે ભાજપ અને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ પર પ્રહાર કરતા પૂછ્યું, “આપણા ધાર્મિક મામલાઓ પર નિર્ણય લેનારા આ લોકો કોણ છે? કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ ઇસ્લામ અને મુસ્લીમોની સમસ્યાઓથી વાકેફ હોઈ શકે છે, પરંતુ આપણા ધાર્મિક મામલાઓમાં શું કહેવું જાઈએ તેનો નિર્ણય આપણા ધાર્મિક વિદ્વાનો અને ઇમામો પર છોડી દેવો જોઈએ. અમે આવી હસ્તક્ષેપને સંપૂર્ણપણે નકારીએ છીએ અને કોઈપણ સંજાગોમાં તેને સહન કરીશું નહીં.”
માહિતી અનુસાર, જમ્મુ અને કાશ્મીર વક્ફ બોર્ડ હેઠળ કુલ ૫,૦૦૯ મસ્જીદો, ૯૯૦ દરગાહ/મઝાર/મઝારો, ૭૯૦ ખાનકાહ અને ૧૫,૫૯૨ કબ્રસ્તાનો છે, અને જમ્મુ અને કાશ્મીર વક્ફ બોર્ડના ઠરાવમાં બધી મસ્જીદોમાં એકરૂપતા લાવવાની હાકલ કરવામાં આવી છે.