
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીની મતગણતરી દરમિયાન રિકાઉન્ટીગની માગણીને લઈને પણ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. વોર્ડ નંબર ૬માં કોંગ્રેસની આખી પેનલ વિજયી બનતાં ભાજપે રિકાઉન્ટીગની માગણી કરી હતી, જોકે રિકાઉન્ટીગ બાદ પણ પરિણામ કોંગ્રેસની તરફેણમાં જ રહ્યું હતું. બીજી તરફ, વોર્ડ નંબર ૭માં પેનલ તૂટતાં ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક ઉમેદવારનો વિજય થયો હતો. ગાંધીનગર મનપાની તમામ ૪૪ બેઠકોનાં પરિણામ સ્પષ્ટ થતાં ભાજપે ૩૮ બેઠકો, કોંગ્રેસે ૫ બેઠકો અને અપક્ષ ઉમેદવારે એક બેઠક પર જીત મેળવી છે.
વોર્ડ નંબર ૭માં ચારેય બેઠકો પર એક જ પક્ષની પેનલ વિજયી બની શકી નહોતી. અહીં ભાજપના ત્રણ ઉમેદવારો અને કોંગ્રેસના એક ઉમેદવારે જીત મેળવી હતી. ભાજપ તરફથી કિંજલબેન ઠાકોર, સોનલબેન વાઘેલા અને શૈલેશ પટેલ વિજયી બન્યા હતા, જ્યારે કોંગ્રેસ તરફથી નગીન નાદિયાએ જીત મેળવી હતી.
ગાંધીનગર મનપાના વોર્ડ નંબર ૬માં કોંગ્રેસે તમામ ચાર બેઠકો પર જીત મેળવી હતી. કોંગ્રેસની આખી પેનલનો વિજય થતાં ભાજપે પરિણામ સામે રિકાઉન્ટીગની માગણી કરી હતી. જોકે, ફરી મતગણતરી કરવામાં આવ્યા બાદ પણ કોંગ્રેસના ઉમેદવારો વિજયી રહ્યા હતા. આથી વોર્ડ નંબર ૬માં કોંગ્રેસની પેનલની જીત યથાવત્ રહી હતી.
ગાંધીનગર મહાનગરપાલિકાની કુલ ૪૪ બેઠકોમાંથી ભાજપે ૩૮ બેઠકો પર જીત મેળવી હતી. કોંગ્રેસે ૫ બેઠકો મેળવી પોતાની બેઠકોમાં વધારો કર્યો હતો, જ્યારે એક બેઠક અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ હતી. આમ આદમી પાર્ટી એક પણ બેઠક જીતી શકી નહોતી. અગાઉ ૨૦૨૧ની ચૂંટણીમાં ભાજપે ૪૧ બેઠકો જીતી હતી, જ્યારે આ વખતે તેની બેઠકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે કુલ ૧૩૦ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. ૧૧ ઓક્ટોબરે યોજાયેલા મતદાનમાં ૫૯.૨૫ ટકા મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મંગળવારે મતગણતરી પૂર્ણ થતાં જ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું હતું. ભાજપે ૩૮ બેઠકો મેળવી હતી, જ્યારે કોંગ્રેસને ૫ બેઠકો મળી હતી. વોર્ડ નંબર ૨માં એક બેઠક અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ હતી.