ગોધરા નગરપાલિકાના ૨૩ જેટલા વાહનો વિમા વગર દોડી રહ્યા છે

ગોધરા નગરપાલિકાના ફલીટમાં સામેલ ૩૭ પૈકી ૨૩ વાહનોની વિમા પોલીસીની મુદ્દત પુરી થઈ ગઈ હોવા છતાં તેમને નિયમો ભંગ કરીને રસ્તાઓ પર દોડાવવામાં આવે છે. આ વાહનોમાં સેનેટરી, ગટર, ફાયર જેવા જોખમી સિવાય પાલિકા પ્રમુખની કાર પર રસ્તા પર દોડી રહી છે. દર ૧૫ દિવસે રૂ.૩ લાખનુ ઈંધણ વાપરતા તંત્ર પાસે વિમા પ્રિમીયમ ભરવા નાણાં ન હોવાની ઘોર બેદરકારી સામે આવી છે. આરટીઓ અને ટ્રાફિક પોલીસની શંકાસ્પદ ઉદાસીનતા વચ્ચે વિમા વગર દોડતા આ વાહનોથી કોઈ અકસ્માત સર્જાશે તો ગરીબ હંગામી ડ્રાઈવરો, કર્મચારીઓ, નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકાયેલા છે.

ગોધરા નગરપાલિકા પાસે કુલ ૪૩ વાહનોનુ સરકારી ફલીટ છે. જેમાંથી દેૈનિક કામગીરી માટે ઉપયોગમાં લેવાતા ૩૭ વાહનો પૈકી ૨૩ વાહનોની વિમાની મુદ્દત પુર્ણ થઈ ગઈ હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જોકે આ સ્થિતિમાં પણ તંત્ર દ્વારા તેને રિન્યુ કરાવવાની તસ્દી લેવામાં આવી નથી. સોૈથી ચિંતાજનક બાબત એ છે કે, સેનેટરી, ફાયર અને ગટર જેવા જોખમી વિભાગોના વાહનો પાલિકાના રોજમદાર કે હંગામી કર્મચારીઓ ચલાવે છે. જો કોઈ દુર્ધટના કે અકસ્માત સર્જાય તો કર્મચારીને મળવાપાત્ર આર્થિક સહાય સામે રક્ષણ મળવુ અશકય બની જશે. બીજી તરફ સામાન્ય નાગરિક કે વાહનચાલક સામે કાર્યવાહી કરતા ખચકાતા નથી. ત્યારે પાલિકાના વાહનો દોડી રહ્યા છે તેની સામે કેમ કાર્યવાહી થતી નથી…?