દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલી ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળામાં ગંભીર ગેરરિતીઓની ફરિયાદો મળી હતી. સલરા ખાતે વ્યાપક સ્તરે ચાલતી અનિયમિતતાઓ અંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા મોટાપાયે ગેરરિતીઓ સામે આવતા કાર્યવાહીના ભાગરૂપે બે શિક્ષણ સહાયકોને છુટા કરાતા તેમજ એક શિક્ષક અને વહીવટી કર્મચારીને સસ્પેન્ડ કરાતા ખળભળાટ મચી ગયો છે.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સલરા ગામમાં ફતેપુરા વિભાગ વિવિધ ઉત્કર્ષ મંડળ નામે સંસ્થા સંચાલિકત ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળા ચાલતી હતી. દાહોદ જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ છે અને પુર્વ કોંગી સાંસદ ડો.પ્રભાબેન તાવિયાડના પતિ ડો.કિશોર તાવિયાડ સંચાલક સંસ્થાના પ્રમુખ છે. તેમની જ શાળામાં રજીસ્ટર ચોપડે ધોે.-૯ થી ૧૨ માં કુલ ૧૩૬ વિદ્યાર્થીઓ નોંધાયેલા હોવા છતાં સ્થળ તપાસ દરમિયાન વર્ગખંડમાં માત્ર ૪ જ વિદ્યાર્થીઓ હાજર મળ્યા હતા. તપાસ ટાંણે અન્ય શાળા(પ્રગતિ ક્ધયા વિદ્યાલય, બટકવાડા)માંથી ૨૭ બાળકોને લાવીને બોગસ હાજરી દર્શાવવાનો પ્રયાસ કરાયો હતો. આ ઉપરાંત શાળા તેના મંજુર થયેલા મુળ સ્થળને બદલે સક્ષમ અધિકારીની મંજુરી વિના જ છેલ્લા એક વર્ષથી અન્ય મકાનમાં ચલાવાઈ રહી છે.શાળામાં પુરતા વર્ગખંડો, હવા-ઉજાસ, બારીઓ અને રમત-ગમતના મેદાન જેવી પ્રાથમિક સુવિધાઓનો સંપુર્ણપણે અભાવ જોવા મળ્યા છે. જ્ઞાનકુંજ પ્રોજેકટ હેઠળ મળેલા ૫ સ્માર્ટબોર્ડ, અને ૪ લેપટોપ શાળામાં ઉપલબ્ધ ન હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓની વાસ્તવિક હાજરી ન હોવા છતાં ખોટા મહેકમ દર્શાવે ૨ જ્ઞાન સહાયકની માંગણી કરી સરકારી નાણાંનો વ્યય કરાયો છે. વર્ષ-૨૦૨૬ ની એસએસસી બોર્ડ પરીક્ષા માટે ૩૧ વિદ્યાર્થીઓનુ રજીસ્ટ્રેશન હોવા છતાં એકપણ વિદ્યાર્થી પરીક્ષામાં બેઠો ન હતો. એચએસસીમાં પણ ૧૩માંથી માત્ર ૪ વિદ્યાર્થીઓ જ પરીક્ષામાં હાજર રહ્યા હતા. શાળાનુ જનરલ રજીસ્ટર, ડેડ સ્ટોક રજીસ્ટર અને વાર્ષિક હિસાબો અદ્યતન ન રાખવા તેમજ વહીવટી સ્ટાફ અને શિક્ષકો દ્વારા શૈક્ષણિક કામગીરીમાં ઘોર બેદરકારી દાખવાઈ હોવાનુ સામે આવ્યુ હતુ. જેથી શાળાના ચાર વર્ગ બંધ કરાયા હતા. ત્યારબાદ શાળામાં ફરજ બજાવતા બે શિક્ષણ સહાયકોને છુટા કરી અને એક શિક્ષક અને આચાર્યને સસ્પેન્ડ કરી દેવાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આ ઉપરાંત શાળાની ૨૫ ટકા ગ્રાન્ટ કાપી નાંખીને ૧૦૦ ટકા ગ્રાન્ટ બંધ કરતા જિલ્લા શિક્ષણાધિકારીને ભલામણ કરી હોવાનુ જાણવા મળ્યુ છે.