
પ્રકૃતિ અને ધ્યાનના રંગોમાં રંગાયું ટાઉનહોલ; ચિત્રકાર અજયસિંહ સોલંકીની કલાએ મંત્રમુગ્ધ કર્યા કલા રસિકોને.
સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અંતર્ગત સંતરામપુર નગરપાલિકા દ્વારા નગરના જાણીતા ચિત્રકાર અજયસિંહ દિલીપસિંહ સોલંકી (સ્વામી)નાં આશરે ૭૦ જેટલાં કલાત્મક ચિત્રોનું વિશેષ પ્રદર્શન નગરપાલિકાના ટાઉનહોલ ખાતે યોજાયું હતું. ઓઈલ અને એક્રેલિક રંગોના માધ્યમથી કેનવાસ પર સર્જાયેલાં પ્રકૃતિ અને ધ્યાન આધારિત ચિત્રોએ પ્રદર્શનને વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું હતું.
કેનવાસ પર ઊતારવામાં આવેલા પ્રકૃતિના વિવિધ રંગો, કલાત્મક અભિવ્યક્તિ અને ધ્યાનની અનુભૂતિ કરાવતાં ચિત્રોએ વિદ્યાર્થીઓ, નગરજનો અને કલા રસિકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ચિત્રોના માધ્યમથી પ્રકૃતિની સુંદરતા અને માનસિક શાંતિની અનુભૂતિ કરાવવાનો આ પ્રયાસ કલા જગત પ્રત્યે નવી જીજ્ઞાસા જગાડનાર બન્યો હતો.

ચિત્રકલા સાથે માર્ગદર્શનનો અનોખો સંગમ : આ પ્રદર્શન માત્ર ચિત્રો નિહાળવા પૂરતું સીમિત ન રહેતાં ચિત્રકલાની સમજ અને માર્ગદર્શનનું પણ માધ્યમ બન્યું હતું. મુલાકાતીઓને ચિત્રકલાના વિવિધ પ્રકારો, તેમાં ઉપયોગમાં લેવાતાં માધ્યમો, આદિજાતિની પરંપરાગત કલા શૈલીઓ તેમજ ગુજરાત સરકાર દ્વારા ચિત્રકલા ક્ષેત્રે આપવામાં આવતી વિવિધ સહાય અને યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને કલા ક્ષેત્રે આગળ વધવા ઇચ્છતા યુવાનો માટે આ માર્ગદર્શન ઉપયોગી બન્યું હતું.
સંતરામપુરના કલાકારની કલાને દેશ-વિદેશમાં ઓળખ : ચિત્રકાર અજયસિંહ સોલંકી (સ્વામી)નાં ચિત્રો દેશ-વિદેશની આર્ટ ગેલેરીઓમાં પ્રદર્શિત થઈ ચૂક્યાં છે. સ્થાનિક સ્તરે પોતાની આગવી કલાત્મક અભિવ્યક્તિ દ્વારા ઓળખ ઊભી કરનાર કલાકારની કૃતિઓને સંતરામપુરના નગરજનો સમક્ષ રજૂ કરવાની આ પહેલથી સ્થાનિક કલા પ્રતિભાને પ્રોત્સાહન મળ્યું છે.

સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અંતર્ગત યોજાયેલું આ પ્રદર્શન કલા, સંસ્કૃતિ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાની દિશામાં નોંધપાત્ર પહેલ બની રહ્યું છે.
કલા રસિકો માટે ખાસ અવસર: આ ચિત્ર પ્રદર્શન તા. ૧૧ અને ૧૨ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન નગરપાલિકાના ટાઉનહોલ ખાત ખુલ્લુ રાખવામાં આવેલું હતું સંતરામપુરના નાગરિકો, વિદ્યાર્થીઓ આ પ્રદર્શન અને કાર્યક્રમ યોજવામાં આવેલો હતો મોટી સંખ્યામાં આ કલા અને ચિત્ર જોવા માટે ઉમટી પડ્યા હતા