
તંત્રની મીઠી નજર હેઠળ શહેરા તાલુકામાં સફેદ રેતીનો કાળો કારોબાર ધમધમ્યો: મહત્વના રસ્તાઓ ઓવરલોડ વાહનો માટે મોકળું મેદાન બન્યા.
સફેદ રેતીના કાળા કારોબાર પાછળ કોની મીઠી નજર? ઉચ્ચ સ્તરેથી તપાસની ઉગ્ર માંગ.
શહેરા તાલુકામાં કુદરતી સંપત્તિની સરેઆમ લૂંટ ચલાવવામાં આવી રહી છે. તાલુકાના વિવિધ વિસ્તારોમાં હાલ ’સફેદ રેતીનો કાળો કારોબાર’ કોઈ પણ જાતના ડર વગર ધમધમી રહ્યો છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે જવાબદાર ખાણ ખનીજ વિભાગ સહિતનું સમગ્ર સરકારી તંત્ર સંપૂર્ણપણે વાકેફ હોવા છતાં, કોઈ અગમ્ય કારણોસર આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. સરકારી તિજોરીને કરોડો પિયાનું નુકસાન પહોંચાડતા આ કાળા કારોબાર સામે કડક પગલાં ભરવા માટે તંત્ર કોઈ શુભ મુહૂર્તની રાહ જોઈ રહ્યું હોય તેવી લોકચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.

શહેરા તાલુકા માંથી પસાર થતા વિવિધ મહત્વના મુખ્ય રસ્તાઓ ઉપરથી દિવસ-રાત ઓવરલોડ રેતી ભરેલી ભારે ગાડીઓ અને ડમ્પરો બેફામ ગતિએ પસાર થઈ રહ્યા છે. ક્ષમતા કરતાં વધુ માત્રામાં રેતી ભરીને દોડતા આ વાહનોના કારણે એક તરફ કરોડોના ખર્ચે બનેલા પાકા રસ્તાઓ બિસ્માર બની રહ્યા છે, તો બીજી તરફ રસ્તા પરથી રેતી ઉડવાના કારણે પાછળ આવતા વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ સતત તોળાતું રહે છે. ઓવરલોડ ગાડીઓની અવિરત અવરજવરને લીધે નાના વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.નિયમ મુજબ કોઈપણ ખનન પ્રવૃત્તિ કે વહન માટે રોયલ્ટી પાસ અને નિયત વજન મર્યાદાનું પાલન કરવું અનિવાર્ય હોય છે. પરંતુ અહીં તો ભૂમાફિયાઓ દ્વારા કાયદાના લીરેલીરા ઉડાડીને વાહનોમાં ખિચોખિચ રેતી ભરી વહન કરવામાં આવે છે. ડમ્પર અને ટ્રકોની પાછળથી નીતરતું પાણી અને રસ્તા પર વેરાતી રેતી જ સાક્ષી પૂરે છે કે શહેરા પંથકમાં કાયદાનું કોઈ અસ્તિત્વ જ રહ્યું નથી. સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે, શહેરા તાલુકાના મહત્વના રસ્તાઓ પરથી આટલી મોટી સંખ્યામાં ઓવરલોડ ગાડીઓ પસાર થતી હોવા છતાં સંબંધિત તંત્ર દ્વારા કેમ કોઈ નક્કર કાર્યવાહી કરાતી નથી? દિવસના અજવાળામાં સરેઆમ દોડતા આ વાહનો સામે કડક પગલાં ન ભરાવાને કારણે સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે અનેક આશંકાઓ અને સવાલો ઉભા થઈ રહ્યા છે. ઉચ્ચ કક્ષાએથી આ બાબતે તાત્કાલિક તપાસ કરીને ઓવરલોડ વહન કરતા વાહનોને ઝડપી પાડી, માલિકો સામે કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. હવે જોવાનું એ રહ્યું કે જવાબદાર ખાણ ખનીજ વિભાગ ક્યારે કુંભકર્ણની નિદ્રામાંથી જાગીને તાલુકા પંથકમાં થતી ખનીજ ચોરી થતી અટકે તે માટે કાર્યવાહી હાથ ધરે છે.
