
પંચમહાલ પોલીસે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની વિશેષ ઝુંબેશ હેઠળ બે વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓને સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવામાં આવ્યા છે.
પ્રથમ કિસ્સામાં, પંચમહાલ-ગોધરા જઘૠ પોલીસે શહેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાયોટિંગ કેસના વોન્ટેડ આરોપી ઉપેન્દ્રસિંહ નટવરસિંહ સોલંકીને ઝડપી પાડ્યા હતા. ઉપેન્દ્રસિંહ નવા વલ્લવપુર, તાલુકો શહેરાનો રહેવાસી છે અને લાંબા સમયથી ફરાર હતો. તેને વધુ કાર્યવાહી માટે શહેરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
બીજા કિસ્સામાં, પંચમહાલ પેરોલ-ફર્લો સ્કવોર્ડે ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પશુ સંરક્ષણ અધિનિયમના ગુનામાં વોન્ટેડ મોસીન હુસેન શેખ ઉર્ફે બલ્લુની ધરપકડ કરી છે. મોસીન ગોધરાના ઈદગાહ મહોલ્લા, નદીપારનો રહેવાસી છે. તેને ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસના આધારે કાલોલ તાલુકાના વેજલપુર ચોકડી વિસ્તારમાંથી ઝડપી પાડી ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સફીન હસનના માર્ગદર્શન હેઠળ પંચમહાલ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના પરિણામે પોલીસને સતત સફળતા મળી રહી છે.