
શહેરા તાલુકાના બોરિયાવી ગામની યુવતીના સાજીવાવ (નવી વસાહત) ખાતે લગ્નના માત્ર ચાર જ મહિનામાં રહસ્યમય સંજોગોમાં મોત નીપજતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી હતી. પ્રાથમિક તબક્કે યુવતી બેભાન થઈ જતાં મોત નીપજ્યાનું કહેવાઈ રહ્યું છે, જ્યારે બીજી તરફ પિયર પક્ષ દ્વારા મૃતક પાલના પતિ પર મારઝૂડ કરી હત્યા નિપજાવ્યાનો ગંભીર આક્ષેપ કરવામાં આવતા પોલીસ દ્વારા આ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
શહેરા તાલુકાના બોરિયાવી ગામના રહેવાસી જશવંતસિંહ ખાંટની ૨૩ વર્ષીય પુત્રી પાલના લગ્ન ચાર મહિના અગાઉ સામાજીક રીત-રિવાજ મુજબ નજીકમાં આવેલા સાજીવાવ ગામની નવી વસાહતના મોર ડુંગરા ફળિયા ખાતે રહેતા સંજય જેરાભાઈ માલીવાડ સાથે થયા હતા. લગ્નના ટૂંક જ સમયમાં અચાનક યુવતીનું મોત નીપજવાની ઘટના સામે આવતાં પિયર પક્ષ પર વજ્રાઘાત થયો છે.

પોલીસ વિભાગ તરફથી મળતી પ્રાથમિક માહિતી મુજબ, પાલબેનને અચાનક ચક્કર આવ્યા બાદ તેઓ બેભાન થઈ ગયા હતા અને ત્યારબાદ તેમનું પ્રાણપંખે ઊડી ગયું હતું. પરંતુ આ ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ તેમજ ઘટનાસ્થળે દોડી આવેલા મૃતક યુવતીના પિતા જશવંતસિંહ ખાંટ અને પિયરિયાઓએ ગંભીર આરોપો લગાવ્યા છે. પિયર પક્ષનું કહેવું છે કે તેમની દીકરી પાલ ને તેના પતિ સંજય માલીવાડ દ્વારા મારઝૂડ કરવાને કારણે જ દીકરીનું મોત નિપજ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા આ મામલે અત્યંત ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. યુવતીના મોતનું સાચું કારણ બહાર આવે તે માટે પોલીસે મૃતકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને તબીબોની પેનલ દ્વારા પેનલ પીએમ કરાવવાની તજવીજ હાથધરી હતી. નાયબ પોલીસ અધિક્ષક દ્વારા આ બનેલી ઘટનાની વધુ તપાસ શ કરવામાં આવી હતી.જ્યારે પોલીસે આ મામલે તમામ પાસાઓ પરથી તપાસના ચક્રોગતિમાન કર્યા હતા.પેનલ પીએમનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું રહસ્ય અજવાળામાં આવશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.