
-પ્રેમીએ ઘરમાં ઘૂસી ચાદર વડે ગળું દબાવ્યું, પત્નીએ ધોકા ફટકાર્યાં, લાશને ૨૦૦ મીટર દૂર ફેંકી, પોલીસે બન્નેને ઝડપ્યાં.
મહીસાગરના લુણાવાડા તાલુકાના ગરીયા ગામની સીમમાંથી ગત ૧૬ ઓક્ટોબરે પ્રવીણ વણકરની લાશ મળી હતી. જે કેસનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલ્યો છે. પોલીસ તપાસ મુજબ, મૃતકની પત્ની મનીષા અને કોલવણ ગામના હિતેષ પટેલ વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમસંબંધ હતો. આ સંબંધમાં પતિ અડચણરૂપ બનતા બંનેએ કથિત રીતે હત્યાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસે આ કેસમાં પત્ની સહિત બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
૧૬ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ગરીયા ગામની સીમમાંથી ૪૫ વર્ષીય પ્રવીણ વણકરનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના પુત્રએ જ સૌથી પહેલા લાશ જોઈ હતી. ત્યારબાદ કોઠંબા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. પોલીસની તપાસમાં ફિઝિકલ એવિડન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સિસની મદદ લેવામાં આવી હતી. તપાસ દરમિયાન મૃતકની પત્ની અને હિતેષ પટેલની કથિત સંડોવણી સામે આવી હતી.
મોબાઈલથી પ્રેમસંબંધનો મામલો ખુલ્યો પોલીસ તપાસ મુજબ, મૃતક પ્રવીણની પત્ની મનીષાને કોલવણ ગામના રહેવાસી હિતેષ દલા પટેલ સાથે પ્રેમસંબંધ હતો. બંને મોબાઈલ ફોન દ્વારા એકબીજાના સંપર્કમાં રહેતા હતા. હિતેષે મનીષાને વાતચીત માટે મોબાઈલ આપ્યો હતો. જોકે, આ મોબાઈલ પ્રવીણના હાથમાં આવી જતાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ બંનેએ પ્રવીણને રસ્તામાંથી દૂર કરવાનો કથિત પ્લાન બનાવ્યો હતો.
ઘરમાં ઘૂસીને હત્યા કર્યાનો પોલીસ તપાસમાં બહાર આવ્યું લુણાવાડા ડિવિઝનના ડીવાયએસપી કમલેશ વસાવાએ આપેલી વિગતો મુજબ, બંને આરોપીઓ છેલ્લા કેટલાક દિવસથી હત્યાનું આયોજન કરી રહ્યા હતા. બનાવની રાત્રે પ્રવિણ ઘરની બહાર નીકળ્યા ત્યારે મનીષાના ઘરમાં હિતેષ ઘૂસી ગયો હતો અને સંતાઈને બેઠો હતો. પ્રવીણ પથારીમાં સૂઈ ગયા બાદ હિતેષે તેમના માથાના ભાગે લાકડીના ફટકા માર્યા હતા. આ દરમિયાન પ્રવીણ જાગી જતાં ઝપાઝપી થઈ હતી.
હિતેષે ચાદર વડે પ્રવીણનું ગળું દબાવ્યું હતું, જ્યારે મનીષાએ પણ લાકડી વડે હુમલો કર્યો હતો. લાકડી અને કપડાં ધોવાના ધોકા વડે માર મારતા ગંભીર ઈજાઓને કારણે પ્રવીણનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ બંને આરોપીઓએ મૃતદેહને ઘરની બહાર લઈ જઈ ઘરથી આશરે ૨૦૦ મીટર દૂર ખેતરમાં ફેંકી દીધો હતો, જેથી હત્યાને અન્ય કોઈ વ્યક્તિએ અંજામ આપ્યો હોવાની છાપ ઊભી થાય. પોલીસે બંને આરોપીઓને ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.