
સિંગવડ તાલુકામાં શારદીય નવરાત્રીના નવમા અને છેલ્લા નોરતે ગરબાની રમઝટ જામી. નગર સહિત તાલુકાના વિવિધ ગામોમાં ગરબા મંડળોએ પરંપરાગત ગરબાનું આયોજન કર્યું. મોટી સંખ્યામાં ખેલૈયાઓ અને ભક્તોએ માતાજીની આરાધના સાથે નવરાત્રીની ઉજવણી કરી.
સિંગવડ નગરના નીચવાસ બજાર અને ચૂંદડી રોડ સહિતના વિસ્તારોમાં ખાસ આયોજન કરાયું. ગાયક કલાકારો અને ઓર્કેસ્ટ્રાના તાલે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા. નાના બાળકોથી વડીલો સુધી સૌ કોઈ ગરબાના રંગે રંગાયેલા જોવા મળ્યા, જેમાં યુવાધનમાં ભારે ઉત્સાહ હતો.
તાલુકાના ભાણપુર-૨, મંડેર, હાંડી, છાપરવડ, બરોડા અને વાલાગોટા સહિતના ગામોમાં પણ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે નવરાત્રી ઉજવાઈ. પરંપરાગત વાજિંત્રો સાથે ગવાતા ગરબાએ લોકસંસ્કૃતિની ઝાંખી કરાવી.
નવમા નોરતે માતાજીના પૂજન-અર્ચન અને આરતી સાથે ભક્તિમય વાતાવરણ છવાયું. ગરબા મહોત્સવના સમાપન પ્રસંગે આયોજકોએ ખેલૈયાઓનું સ્વાગત કરી ભેટ-પ્રસાદનું વિતરણ કર્યું.