
ખેતરમાં જતી વખતે અચાનક ટ્રેન આવી જતા કચડાયા, છોટા ઉદેપુરમાં ૧૫ દિવસમાં ત્રીજો અકસ્માત
છોટા ઉદેપુર જીલ્લામાં ટ્રેન અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. આજે બોડેલી પાસે નર્મદા કેનાલના રેલવે પુલ પર ટ્રેનની અડફેટે માતા-પુત્રના મોત થયા હતા. જૂની બોડેલીના જૈન ફળિયામાં રહેતા ૬૫ વર્ષીય ગંજીબેન ગણપત બારીયા અને તેમના ૩૨ વર્ષીય પુત્ર પરેશ ગણપત બારીયા બપોરે ખેતરમાં ટિફિન આપવા જઈ રહ્યા હતા.
તેઓ નર્મદા કેનાલના રેલવે પુલ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક ટ્રેન આવી ગઈ હતી. પુલ પરથી નીકળવાની જગ્યા ન મળતા બંને ટ્રેનની અડફેટે આવી ગયા હતા. તેમને ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ મોત થયા હતા. છેલ્લા ૧૫ દિવસમાં આ ત્રીજો ટ્રેન અકસ્માત છે. આ ત્રણ અકસ્માતમાં કુલ ચાર લોકોના જીવ ગયા છે. આ પહેલા ૪ ઓક્ટોબરે ખજૂરિયા પાસે અને ૬ ઓક્ટોબરે પાવી જેતપુર ખાતે એક-એક યુવકનું ટ્રેનની અડફેટે મોત થયું હતું. રેલવે અકસ્માતોમાં વધારો સુરક્ષા અંગે ચિંતા ઉભી કરે છે.