
ભારત સરકારે જમ્મુ અને કાશ્મીર અંગે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (ઓઆઇસી) દ્વારા લાવવામાં આવેલા ઠરાવને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયે તેના જવાબમાં ઓઆઇસીને કડક શબ્દોમાં ઠપકો આપ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ઓઆઇસીએ પાકિસ્તાનને તેના કટ્ટરપંથી એજન્ડાને આગળ વધારવા માટે તેના પ્લેટફોર્મનો “દુરુપયોગ” કરવાની સ્વતંત્રતા આપી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ઓઆઇસી વિદેશ મંત્રીઓની બેઠકમાં ભારત વિશે આપવામાં આવેલા નિવેદનો દ્વેષપૂર્ણ, પક્ષપાતી અને ખોટા છે અને પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત છે.
હકીકતમાં,ઓઆઇસી વિદેશ મંત્રી પરિષદની બેઠક ૧૭-૧૮ ઓક્ટોબરના રોજ ઇરાકની રાજધાની બગદાદમાં યોજાઈ હતી. અહીં જમ્મુ અને કાશ્મીર અંગે એક ઠરાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો. જો કે, ભારત સરકારે આ ઠરાવને સંપૂર્ણપણે નકારી કાઢ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે,ઓઆઇસીને ભારતની આંતરિક બાબતો પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે. રાજકીય રીતે પ્રેરિત પ્રચાર આ સત્યને ક્યારેય બદલી શકતો નથી.” એ નોંધવું જાઈએ કે ભારત સરકારે અગાઉ જમ્મુ અને કાશ્મીર અંગે તુર્કીને ઠપકો આપ્યો હતો.
ભારત સરકારના વિદેશ મંત્રાલયે સમગ્ર મુદ્દા પર એક પ્રેસ નોટ જારી કરીને જણાવ્યું હતું કે, “કલમ ૩૭૦ નાબૂદ થયા પછી, જમ્મુ અને કાશ્મીરમાં નોંધપાત્ર આર્થિક વિકાસ થયો છે, અને અહીંના લોકો માળખાગત સુવિધાઓ, પર્યટન અને કનેકટીવિટી દ્વારા સીધો લાભ મેળવી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીર અંગે ફક્ત બે મુદ્દાઓ છે જેના પર ધ્યાન આપવું જોઈએ. પ્રથમ, પાકિસ્તાને ગેરકાયદેસર અને બળજબરીથી કબજા કરેલા વિસ્તારો ખાલી કરવા જોઈએ. બીજું, તેણે સરહદ પાર આતંકવાદને ટેકો આપવાનું બંધ કરવું જોઈએ.”
ભારત સરકારે વધુમાં જણાવ્યું હતું કે ઓઆઇસી ઠરાવોમાં ભારત વિરુદ્ધ અન્ય બનાવટી અને પ્રતિકૂળ વાર્તાઓ, જેમાં ઇસ્લામોફોબિયાના આરોપો શામેલ છે, તે ફક્ત પાકિસ્તાનના પોતાના ખરાબ રેકોર્ડ પરથી ધ્યાન હટાવવાના ભયાવહ પ્રયાસો છે, જેમાં લઘુમતીઓ પર અત્યાચાર, સાંપ્રદાયિક હિંસા, શાસન નિષ્ફળતાઓ અને રાજકીય અસ્થિરતાનો સમાવેશ થાય છે.” ભારત સરકારે ઓઆઇસીની ટીકા કરી અને તેને સલાહ પણ આપી. વિદેશ મંત્રાલયે કહ્યું, “પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવતા પ્રચાર અને કથાઓને ઓઆઇસી દ્વારા વારંવાર સમર્થન આપવાથી સંગઠનની વિશ્વસનીયતા અને અખંડિતતા પર ગંભીર પ્રશ્નો ઉભા થાય છે. અમને આશા છે કે તેના સભ્યો વધુ સારા પગલાં લેશે અને આ સંગઠનમાં સુધારા લાવશે.