
સમાજની સુરક્ષા માટેનું અભિન્ન અંગ એટલે કે સ્થાનિક પોલીસ. સમાજના દૂષણો, બદીઓ અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે હંમેશાં ખડેપગે રહીને અસરકારક કામગીરી કરનાર કાલોલ પોલીસ વિભાગ દ્વારા વિજયાદશમી (દશેરા) પર્વ નિમિત્તે પોલીસ સ્ટેશનમાં શસ્ત્ર પૂજનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિથી પોલીસ વિભાગના સુરક્ષા શસ્ત્રોની પૂજા અર્ચના કરવામાં આવી હતી. સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા પ્રજાની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વપરાતા શસ્ત્રોની પરંપરાગત પૂજા કરી નાગરિકોની રક્ષાનો દ્રઢ સંકલ્પ લેવામાં આવ્યો હતો.આ ધાર્મિક અને પ્રેરણાદાયી પ્રસંગે કાલોલ પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યો હતો.