શહેરામાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ની ઉજવણી : આદિવાસી અનામત બેઠક પર સર્ટિફિકેટના આધારે ચૂંટણી લડનારને ભાજપ મદદ નહીં કરે – ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આદિવાસી અનામત બેઠક પર અન્ય કોઈ સર્ટિફિકેટના આધારે ફોર્મ ભરનારને ભાજપ સમર્થન કે મદદ નહીં કરે તેવી મંચ પરથી ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડની જાહેરાત.

ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ એ આદિવાસીઓની જગ્યાએ સર્ટિફિકેટ લઈને ચૂંટણી લડવી તે જરાય વ્યાજબી નથી તેમ જણાવી સમાજને જાગૃત રહેવા અપીલ કરી.

શહેરા ખાતે ૧૫૧મી બિરસા મુંડા જયંતિ નિમિત્તે યોજાયેલા ‘જનજાતિય ગૌરવ દિવસ’ના કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને આપેલા નિવેદને રાજકીય ગરમાવો લાવી દીધો હતો. આદિવાસી અનામત બેઠકો પર સર્ટિફિકેટના આધારે ચૂંટણી લડતા ઉમેદવારો સામે લાલ આંખ કરતા ધારાસભ્યે સ્પષ્ટ જાહેરાત કરી છે કે આવા ઉમેદવારોને ભાજપ તરફથી કોઈ જ મદદ કે સમર્થન આપવામાં આવશે નહીં.

શહેરા ખાતે આવેલા કેશવ ગ્રાઉન્ડમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતિય ગૌરવ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. પ્રદેશ કારોબારી સભ્ય રાજેશ પટેલ અને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિની ભવ્ય ઝાંખી જોવા મળી હતી. કાર્યક્રમની શ‚આત પ્રદેશ કારોબારી સભ્ય રાજેશ પટેલ, ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ, પ્રાંત અધિકારી તેમજ આદિવાસી સમાજના અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી.જનજાતિય ગૌરવ દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં તાલુકાના અનેક ગામોમાંથી મોટી સંખ્યામાં ગ્રામીણજનો, પદાધિકારીઓ અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતા પારંપરિક લોકનૃત્યો તેમજ લોક ડાયરા જેવા આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિ અને આદિવાસી ગૌરવથી છલકાઈ ઉઠ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન આગામી સમયમાં આવી રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ બાબતે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે આદિવાસી અનામત બેઠકો અંગે એક સ્પષ્ટ અને કડક નિવેદન આપતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી હતી. તેમણે જાહેરમાં જણાવ્યું હતું કે, “અસલ ટ્રાયબલ રહી જાય અને ઓરિજીનલ ટ્રાયબલની જગ્યાએ સર્ટિફિકેટવાળા ટ્રાયબલ સર્ટિફિકેટ લઈને આવે અને ચૂંટણી લડે, એ કોઈ પણ અંશે વ્યાજબી નથી.ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં જે જગ્યાએ આદિવાસી સમાજની રિઝર્વ બેઠકો છે, ત્યાં જો કોઈ બક્ષીપંચ કે અન્ય વ્યક્તિ માત્ર સર્ટિફિકેટના આધારે ફોર્મ ભરશે, તો તેમને ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈપણ પ્રકારની મદદ કે સહકાર આપવામાં આવશે નહીં. તેમણે સમાજના સાચા હકદારોને પ્રાધાન્ય મળે અને અસલ આદિવાસીઓના હકોનું રક્ષણ થાય તે માટે સૌને જાગૃત રહેવા તાકીદ કરી હતી.આ સાથે જ તેમણે ભૂતકાળમાં પક્ષ દ્વારા સ્થાનિક સ્તરે આદિવાસી સમાજના આગેવાનોને તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતમાં ન્યાય સમિતિના ચેરમેન તથા સભ્ય તરીકે આપવામાં આવેલા પ્રતિનિધિત્વને યાદ કરીને સૌનો ઉત્સાહ વધાર્યો હતો.

શહેરાના કેશવ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ‘જનજાતિય ગૌરવ દિવસ’ કાર્યક્રમ દરમિયાન આગામી પંચાયતની ચૂંટણીઓ સંદર્ભે ધારાસભ્ય જેઠાભાઈ આહીરે આદિવાસી અનામત બેઠકો અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, અસલ ટ્રાઈબલની જગ્યાએ સર્ટિફિકેટ લઈને ચૂંટણી લડવી તે કોઈપણ અંશે વ્યાજબી નથી. તેમણે જાહેરાત કરી હતી કે જે જગ્યાએ આદિવાસી સમાજની રિઝર્વ સીટો છે ત્યાં જો અન્ય કોઈ વ્યક્તિ સર્ટિફિકેટના આધારે ફોર્મ ભરશે, તો તેને ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈપણ પ્રકારની મદદ કરવામાં આવશે નહી.ગ્રામજનો અને કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે આદિવાસી અનામત બેઠકો પર સાચા હકદારોને જ પ્રાધાન્ય મળવું જોઈએ અને આ બાબતે સવાલો ઉઠાવી જાગૃત રહેવું જરૂરી છે.