ચૂંટણી પહેલાં લેઉવા પટેલ સમાજમાં રાજકીય પ્રતિનિધિત્વનો મુદ્દો ગરમાયો, ઝેન-જી યુવકો મેદાને

ગુજરાતના રાજકારણમાં પાટીદાર સમાજનું હંમેશાં નિર્ણાયક સ્થાન રહ્યું છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્ર અને સુરતમાં વસતા લેઉવા પટેલ સમાજના રાજકીય પ્રતિનિધિત્વને લઈને ચર્ચા અને અસંતોષ વધી રહ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. એક સમયે લેઉવા પાટીદાર આગેવાનોનું મજબૂત વર્ચસ્વ ધરાવતી અનેક બેઠકો પર આજે સમાજનું પ્રતિનિધિત્વ ઘટ્યું હોવાની લાગણી સમાજના કેટલાક વર્ગોમાં જાવા મળી રહી છે.

સમાજના યુવાનો અને રાજકીય વર્તુળોમાં હવે સવાલ ઉઠી રહ્યો છે કે શું ભાજપમાં લેઉવા પટેલ નેતૃત્વને ધીમે ધીમે રાજકીય રીતે મર્યાદિત કરવામાં આવી રહ્યું છે? શું ટિકિટ ફાળવણી અને સંગઠનની જવાબદારીઓમાં સમાજના આગેવાનોને પૂરતું સ્થાન મળી રહ્યું નથી? જાકે, લેઉવા પટેલ સમાજને રાજકીય રીતે હાંસિયામાં ધકેલવા માટે કોઈ સુવ્યવસ્થિત આયોજન ચાલી રહ્યું હોવાના આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.જૂનાગઢ લોકસભા બેઠક એક સમયે લેઉવા પાટીદાર આગેવાનોના રાજકીય પ્રભાવ માટે જાણીતી રહી છે. નાનજીભાઈ વેકરિયા, ગોવિંદભાઈ શેખડા અને ભાવનાબેન ચિખલીયા જેવા નેતાઓએ આ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જૂનાગઢ વિધાનસભા બેઠક પર ગોરધનભાઈ વસોયા ધારાસભ્ય રહી ચૂક્યા છે. જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં લેઉવા પાટીદારોની નોંધપાત્ર વસ્તી હોવા છતાં વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં સમાજને અપેક્ષિત પ્રતિનિધિત્વ મળતું નથી તેવી ફરિયાદો થઈ રહી છે.

મેંદરડા-માળિયા બેઠક પર અગાઉ એલ.ટી. રાજાણી જેવા લેઉવા પાટીદાર આગેવાનોનું પ્રતિનિધિત્વ રહ્યું હતું. હવે આ બેઠક પર પણ સમાજની રાજકીય પકડ અગાઉ જેવી રહી નથી તેવી ચર્ચા છે.રાજકોટ લોકસભા બેઠકની વાત કરીએ તો ભૂતકાળમાં રમાબેન માવાણી, રામજીભાઈ માવાણી, શિવલાલ વેકરિયા અને વલ્લભભાઈ કથીરિયા જેવા નેતાઓ સાંસદ રહી ચૂક્યા છે. જોકે, વર્તમાન સમયમાં આ બેઠક પર કડવા પાટીદાર નેતૃત્વ હોવાને કારણે લેઉવા પાટીદાર સમાજના રાજકીય વર્તુળોમાં પ્રતિનિધિત્વ અંગે ચર્ચા ઊભી થઈ છે. બીજી તરફ રાજકોટની વિધાનસભા બેઠક પર પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીની ટિકિટ કપાઈ હોવાનો મુદ્દો પણ સમાજના કેટલાક વર્ગોમાં ચર્ચાસ્પદ બન્યો હતો.

જામનગર લોકસભા બેઠક પરથી ચંદ્રેશ પટેલ જેવા આગેવાનોનું પ્રતિનિધિત્વ ભૂતકાળમાં રહ્યું હતું. જાકે, વર્તમાન રાજકીય સમીકરણોમાં લેઉવા પાટીદાર નેતૃત્વનું પ્રમાણ ઘટ્યું હોવાની ચર્ચા સમાજમાં થઈ રહી છે.ગોંડલ વિધાનસભા બેઠક પણ લેઉવા પટેલ સમાજની રાજકીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ બેઠક ગણાય છે. વિસાવદર બાદ લેઉવા પટેલોની મોટી વસ્તી ધરાવતી બેઠકોમાં ગોંડલનો ઉલ્લેખ થાય છે. અગાઉ ચંદુભાઈ વઘાસિયા જેવા આગેવાનો અહીંથી સમાજનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. તેમ છતાં બદલાતી રાજકીય ગોઠવણો વચ્ચે ગોંડલમાં પણ સમાજના રાજકીય પ્રભાવ અંગે સવાલો ઊઠી રહ્યા છે.લેઉવા પટેલ સમાજની મોટી વસ્તી ધરાવતા સુરતમાં પણ આ મુદ્દો ધીમે ધીમે ચર્ચાનો વિષય બની રહ્યો છે. હીરા ઉદ્યોગ, સામાજિક સંસ્થાઓ અને શૈક્ષણિક ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રભાવ ધરાવતા સમાજના આગેવાનો રાજકીય પ્રતિનિધિત્વના મુદ્દે સક્રિય ભૂમિકા ભજવે તેવી યુવા પેઢીની અપેક્ષા છે. સમાજના કેટલાક યુવાનોમાં એવી લાગણી છે કે સામાજિક અને આર્થિક ક્ષેત્રે મજબૂત સ્થાન ધરાવતા સમાજને રાજકીય ક્ષેત્રે પણ પ્રમાણસર ભાગીદારી મળવી જોઈએ. આ મુદ્દે સામાજિક સંસ્થાઓના આગેવાનોનું મૌન કેમ છે તેવો સવાલ પણ ચર્ચાઈ રહ્યો છે.