અમદાવાદમાં ૧૨ વર્ષ બાદ ભદ્ર ફેસ્ટીવલનું પુનરાગમન, સંગીત, નાટક અને ડાન્સ સહિત યોજાશે

અમદાવાદના ઐતિહાસિક વારસા અને સાંસ્કૃતિક ઓળખને નવી પેઢી સમક્ષ ઉજાગર કરવાના હેતુથી ‘ક્રાફ્ટ ઓફ આર્ટ’ દ્વારા વર્લ્ડ હેરિટેજ સપ્તાહ અંતર્ગત બે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૨ વર્ષના લાંબા અંતરાલ બાદ ઐતિહાસિક ભદ્ર વિસ્તારમાં ફરી એકવાર ‘ભદ્ર ફેસ્ટીવલ’ યોજાશે. ૧૯ નવેમ્બરના રોજ યોજાનારા આ ફેસ્ટીવલમાં સંગીત, નાટ્યકલા, વાર્તાકથન, લોકનૃત્ય અને વિઝ્યુઅલ આર્ટ્‌સનો અનોખો સંગમ જાવા મળશે. આ ઉપરાંત ૨૫ નવેમ્બરે અમદાવાદની ત્રણ ઐતિહાસિક વાવમાં ‘વોટર હેરિટેજ સિરીઝ’ અંતર્ગત સંગીત, કવિતા અને નૃત્યના કાર્યક્રમો યોજાશે.વર્ષ ૨૦૧૪માં પ્રથમ વખત યોજાયેલા ભદ્ર ફેસ્ટીવલનું ૧૨ વર્ષ બાદ પુનરાગમન થઈ રહ્યું છે.

સાંજે ૪ વાગ્યાથી શરૂ થનારા આ ફેસ્ટીવલના કાર્યક્રમો ભદ્ર કિલ્લો, પ્રેમાભાઈ હોલ પરિસર અને ભદ્ર પ્લાઝા ખાતે યોજાશે. જ્યારે સાંજે ૭ઃ૧૫ વાગ્યે ઐતિહાસિક ત્રણ દરવાજા ખાતે ભવ્ય સંગીત સમારોહ યોજાશે. ફેસ્ટીવલમાં નાથુલાલ સોલંકી અને કલાકારવૃંદ દ્વારા નગારા વાદન, વિજાનંદ તુરી દ્વારા રાવણહથ્થાની રજૂઆત, સિદી ગોમા ડાન્સ ગ્રૂપ દ્વારા સિદી ધમાલ અને મહારાષ્ટ્રના ઇનક્રેડિબલ મલ્લખંબ ગ્રૂપ દ્વારા મલ્લખંબની રજૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત નિસર્ગ ત્રિવેદી અને કલાકારવૃંદ નાટ્યસંગીત રજૂ કરશે. નાટ્યકલા અને વાર્તાકથનના ભાગરૂપે દાદી પુદુમજીના ઇશારા પપેટ થિયેટર દ્વારા વિશાળ કઠપૂતળીઓની પરેડ યોજાશે. સાથે જ દાસ્તાન-એ-દરવાજા અને પરંપરાગત ગુજરાતી કથાપ્રસ્તુતિ ભદ્રાખ્યાન પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.

ભદ્ર વિસ્તારના ઐતિહાસિક દસ્તાવેજીકરણ અને સાંસ્કૃતિક ઓળખને ઉજાગર કરવા ત્રણ વિશેષ પ્રદર્શનો પણ યોજાશે. જેમાં ભદ્ર કિલ્લા ખાતે ‘હિસ્ટ્રી ઓફ ભદ્ર’, પ્રેમાભાઈ હોલ ખાતે ગુજરાતી રંગભૂમિની સફર દર્શાવતું ‘રંગ સ્મૃતિઃ ધ લિવિંગ આર્કાઇવ્સ ઓફ ગુજરાતી થિયેટર’ અને વિનય પંજવાણીનું ફોટોગ્રાફી પ્રદર્શન ‘ભદ્ર અનપોઝ્ડ’ સામેલ છે. આ ઉપરાંત ભદ્ર કિલ્લા પર પ્રોજેક્શન મેપિંગ, કાઇનેટિક આર્ટ ઇન્સ્ટોલેશન અને માતાની પછેડીથી પ્રેરિત વિશેષ દૃશ્ય રજૂઆત પણ કરવામાં આવશે.

‘ભદ્ર ફેસ્ટીવલ’માં સાંજના વિશેષ સંગીત સમારોહમાં ઉસ્તાદ ફઝલ કુરેશી (તબલા) સાથે જ્યોર્જ બ્રૂક્સ (સેક્સોફોન), શેલ્ડન ડિસિલ્વા (બેસ), અરુણ કુમાર (ડ્રમ્સ) અને રાહુલ વાધવાણી (કીબોર્ડ્‌સ) સંગીત રજૂ કરશે. ત્યારબાદ ઉસ્તાદ શુજાત ખાન (સિતાર)ની રજૂઆત યોજાશે, જેમાં તબલા પર અમિત ચૌબે અને સપન અંજારિયા સંગત આપશે. કાર્યક્રમનું સંચાલન માનવ ગોહિલ કરશે.

ફેસ્ટીવલ અંગે ‘ક્રાફ્ટ ઓફ આર્ટ’નાં સ્થાપક અને આર્ટિસ્ટીક ડિરેક્ટર બિરવા કુરેશીએ જણાવ્યું હતું કે, “બાર વર્ષ પછી ફરી ભદ્રમાં આવવું અમારા માટે ખૂબ જ ખાસ છે. ભદ્ર વિસ્તારની પોતાની એક આગવી ઓળખ છે. અહીંનું સ્થાપત્ય, નાટ્યકલા, સંગીત, પરંપરાઓ અને રોજિંદું જીવન, આ બધું જ આ સ્થળને જીવંત બનાવે છે. અમે ઇચ્છીએ છીએ કે લોકો વર્ષોથી જે જગ્યાઓને ઓળખે છે, તેને આ વખતે ‘ભદ્ર ફેસ્ટીવલ’માં કંઈક અલગ રીતે જુએ અને અનુભવે.”

આ ઇવેન્ટ માટે પ્રવેશ નિઃશુલ્ક રહેશે. ભદ્ર કિલ્લા અને ત્રણ દરવાજા ખાતે યોજાનારા સંગીત સમારોહ માટે જ ર્મ્ાર્સ્અજીર્રુ પર અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. ફેસ્ટીવલના અન્ય તમામ સ્થળોએ રજિસ્ટ્રેશન વિના પ્રવેશ મેળવી શકાશે. કેટલીક બેઠકો અનામત રાખવામાં આવશે.

વોટર હેરિટેજ સિરીઝ અંતર્ગત અમદાવાદની ત્રણ ઐતિહાસિક વાવમાં સંગીત, કવિતા અને નૃત્યના વિશેષ કાર્યક્રમો યોજાશે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખાતા અમદાવાદની આ વાવમાં પરોઢથી સાંજ સુધી વિવિધ કલાકારો પોતાની કલા રજૂ કરશે.

વાવ સૂર । જેઠાભાઈની વાવ । સવારે ૬ઃ૩૦ વાગ્યે

પંડિત જયતીર્થ મેવુન્ડી દ્વારા પરોઢના સમયે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની ગાયન રજૂઆત યોજાશે.

વાવ વાર્તા । અમૃતવર્ષિણી વાવ । સવારે ૧૧ઃ૦૦ વાગ્યે

સૌમ્ય જોશી અને અનિલ ચાવડા કાવ્યપાઠ રજૂ કરશે. આ સાથે ભરતનાટ્યમ નૃત્યાંગના પ્રાચી સાથી દ્વારા નૃત્ય આધારિત વિશેષ રજૂઆત કરવામાં આવશે.

વાવ તરંગ । દાદા હરીરની વાવ । સાંજે ૭ઃ૦૦ વાગ્યે

ઉસ્તાદ ફઝલ કુરેશી (તબલા)ના નેતૃત્વમાં વિશેષ સંગીત સમારોહ યોજાશે. તેમાં દિલશાદ ખાન (સારંગી), સાસ્કીયા રાવ (સેલો), ડેરા ખાન (કમાયચા), ખેતે ખાન અને ઝાકિર ખાન (ખડતાલ) સંગીત રજૂ કરશે. હિમાલી વ્યાસ નાયક વિશેષ અતિથિ ગાયિકા તરીકે જોડાશે.