લગ્નનું ખોટું વચન આપીને શારીરિક સંબંધ બાંધવો ગુનો, ગુજરાત હાઈકોર્ટે યુવકની અરજી ફગાવી

ગુજરાત હાઈકોર્ટે લગ્નનું વચન આપીને યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ કોઈ વ્યાજબી કારણ વિના લગ્ન કરવાનો ઇનકાર કરવાના કેસમાં મહ¥વનું અવલોકન કર્યું છે. હાઈકોર્ટે જણાવ્યું કે આવા સંજાગોમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૬૯ હેઠળ શિક્ષાપાત્ર ગુનો બની શકે છે. આ સાથે જસ્ટીસ એમ. કે. ઠક્કરે આરોપી યુવક દ્વારા પોતાની સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરવાની માગ સાથે કરેલી અરજી ફગાવી દીધી હતી.

આરોપી યુવક તરફથી દલીલ કરવામાં આવી હતી કે ફરિયાદી યુવતી ૨૩ વર્ષની પુખ્ત વયની છે અને બંને વચ્ચેના સંબંધો સહમતિથી બંધાયા હતા. જોકે, હાઈકોર્ટે આ દલીલ સ્વીકારી નહોતી.

કોર્ટે નોંધ્યું હતું કે યુવતી કે યુવક તરફથી લગ્ન ન કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ રજૂ કરવામાં આવ્યું નથી. લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બાંધ્યા બાદ કોઈ વ્યાજબી કારણ વિના લગ્નનો ઇનકાર કરવો એ શરૂઆતથી જ લગ્ન કરવાનો ઇરાદો ન હોવાનો સંકેત આપી શકે છે.

હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે સહમતિથી બંધાયેલા સંબંધો અને ખોટું વચન આપીને છેતરપિંડીથી બાંધવામાં આવેલા સંબંધો વચ્ચે તફાવત છે. આરોપીનો શરૂઆતથી જ લગ્ન કરવાનો ઇરાદો હતો કે પછી માત્ર શારીરિક સંબંધ બાંધવા માટે ખોટું વચન આપવામાં આવ્યું હતું, તે સંજાગોના આધારે નક્કી કરવાનું રહે છે.

કોર્ટના મતે, આ કેસમાં પ્રથમ દૃષ્ટિએ ગુનો બનતો જણાય છે. તેથી ફોજદારી કાર્યવાહી ચાલુ રાખવી કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ ગણાય નહીં. હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના ‘સ્ટેટ ઓફ હરિયાણા વિરુદ્ધ ભજનલાલ’ કેસમાં નક્કી કરાયેલા માપદંડોને ધ્યાનમાં રાખીને એફઆઈઆર રદ કરવાની અરજી ફગાવી હતી.

ફરિયાદી યુવતી અને આરોપી યુવક બે વર્ષથી વધુ સમયથી એકબીજાને ઓળખતા હતા અને બંને વચ્ચે આત્મીય સંબંધો હતા. વર્ષ ૨૦૨૪માં યુવક યુવતીના ઘરે ગયો હતો. ત્યારબાદ બંનેના માતા-પિતા લગ્ન માટે સંમત થયા હતા. જોકે, જે દિવસે બંનેની સગાઈ થવાની હતી તે દિવસે યુવકના પરિવારના એક સભ્યનું અવસાન થતાં સગાઈ થઈ શકી નહોતી. તેમ છતાં યુવતીના માતા-પિતાને લગ્ન અંગે ખાતરી આપવામાં આવી હતી. ત્યારબાદ યુવતી યુવક સાથે ઉદયપુર ગઈ હતી, જ્યાં લગ્નના વચન હેઠળ બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. આ પછી યુવકના પિતાએ સગાઈ આગળ વધારવા માટે રૂ. ૧૫ લાખની માગણી કરી હતી. યુવતીના માતા-પિતા આ રકમ આપવા પણ સંમત થયા હતા.

જોકે, આ વર્ષે મે મહિનામાં યુવતીના પિતાએ લગ્નની તારીખ અંગે પૂછપરછ કરતાં યુવકના પરિવારજનોએ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. યુવકે પણ યુવતીને તેની સાથે લગ્ન કરવાની ઇચ્છા ન હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ યુવતીએ અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશન (પૂર્વ)માં બીએનએસની કલમ ૬૯ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.