વડોદરાના ૮૪ લાખના દારૂકાંડમાં મોટી કાર્યવાહી, બાપોદના પીઆઇ અને પીએસઆઇ સસ્પેન્ડ

વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશન સાથે જોડાયેલા રૂ. ૮૪ લાખના દારૂકાંડમાં પોલીસ વિભાગે કાર્યવાહી કરી છે. આ કેસમાં બાપોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. લાડુમોર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એન. પ્રસાદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તપાસ અહેવાલના આધારે બંને અધિકારીઓ સામે આ પગલું લેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ મામલો આશરે ત્રણ મહિના જૂનો છે. તે સમયે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં આશરે રૂ. ૮૪ લાખની કિંમતનો દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન બુટલેગર નીલુ સિંધીએ આ દારૂનો જથ્થો મંગાવ્યો હોવાની વિગતો સામે આવી હતી. આટલી મોટી માત્રામાં દારૂ ઝડપાતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા હતા.

દારૂકાંડને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ અહેવાલના આધારે હવે પીઆઇ કે.ડી. લાડુમોર અને પીએસઆઇ આર.એન. પ્રસાદને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી વડોદરા પોલીસ વિભાગમાં ચર્ચા શરૂ થઈ છે.