
ફાયર સેફ્ટીના સાધનો અને એક્સપાયરી ડેટની ગંભીર બેદરકારી ઉજાગર
ગોધરા શહેરના અમદાવાદ રોડ પર આવેલા હંગામી બસ સ્ટેન્ડ સંકુલમાં અચાનક આકસ્મિક ભીષણ આગ ફાટી નીકળવાની મોટી ઘટના સામે આવી. આ આગની દુર્ઘટનામાં બસ સ્ટેન્ડની અંદર આવેલી ૭ જેટલી દુકાનો, કંટ્રોલ રૂમની ઓફિસ સહિતનો લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. આગની વિકરાળતાને જોતા ગોધરાની બે ફાયર ગાડીઓ ઉપરાંત શહેરા અને કાલોલથી પણ વાહનો બોલાવવામાં આવ્યા હતા. ફાયર વિભાગની ટીમો દ્વારા સંયુક્ત રીતે ૧ થી દોઢ કલાક સુધી ભારે જહેમત અને પાણીનો મારો ચલાવીને આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે આ ગંભીર દુર્ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી.

સ્થળ પરની વિગતો મુજબ, બસ સ્ટેન્ડની અંદર આવેલી દુકાનો અને શેડમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનું મટીરીયલ તેમજ ગરમીથી બચવા માટે થર્મોકોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે આગે જોતજોતામાં અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આગ ક્ષણવારમાં ફેલાઈ ગઈ હતી. જોકે, પાછળના ભાગે આવેલા રેસ્ટ રૂમના બેડ સુરક્ષિત બચી ગયા હતા, પરંતુ બાકીની દુકાનો સંપૂર્ણપણે આગની ઝપેટમાં આવી ગઈ હતી.

તપાસ દરમિયાન પ્રાથમિક રીતે સામે આવ્યું છે કે આવા જાહેર અને સંવેદનશીલ સ્થળો પર પૂરતા પ્રમાણમાં ફાયર સેફ્ટીના સાધનો નહોતા અથવા તો જે સાધનો હતા તેમની એક્સપાયરી ડેટ (સમયમર્યાદા) વીતી ચૂકી હોવાની કે નિષ્ક્રિય હાલતમાં હોવાની સ્થિતિ સ્પષ્ટપણે જોવા મળી છે. ફાયર સેફ્ટીના સાધનો અને નિયમોના અભાવે નાની આગ પણ કઈ રીતે વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. હાલ તંત્ર દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણો અને સુરક્ષા વ્યવસ્થાઓની ચકાસણી માટે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.