પાવીજેતપુર વનકુટિર નજીક હિટ એન્ડ રનમાં જીઆરડી જવાનનુ મોત : ફરાર આરોપીની ધરપકડ

પાવીજેતપુરમાં વન કુટિર પાસે બનેલી હિટ એન્ડ રનની ધટનામાં પોલીસે ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી કાઢ્યો છે. આ ગોઝારા અકસ્માતમાં પોતાની ફરજ પર જઈ રહેલા એક જીઆરડી જવાનનુ ક‚ણ મોત નીપજયું હતુ. જેમાં નાસી છુટેલા કાર ચાલકને પોલીસે ઝડપી પાડ્યો છે.

પાવીજેતપુરના પી.આઈ.દ્વારા આપવામાં આવેલ વિગતો અનુસાર ૨૭ ઓગસ્ટની રાત્રિના આશરે ૧૦.૪૫ કલાકે જીઆરડી જવાન વિનુભાઈ રાઠવા પોતાની નોકરી પર જઈ રહ્યા હતા. આ દરમિયાન વનકુટિર નજીક એક અજાણ્યા ફોર વ્હિલર વાહને તેમની મોટરસાયકલને ટકકર મારી હતી. અકસ્માત સર્જયા બાદ વાહન ચાલક વાહન લઈને ધટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ધવાયેલા જવાનને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે બોડેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અને ત્યાંથી વડોદરા અને અમદાવાદ લઈ જવાયા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનુ મોત નીપજયું હતુ. આ દરમિયાન પાવીજેતપુર પોલીસને ચોકકસ બાતમી મળી હતી કે, ગુનામાં સંડોવાયેલ સફેદ કલરની હ્યુન્ડાઈ વર્ના કારનો ચાલક મેહુલકુમાર રમેશભાઈ તડવી વડોદરાથી અમદાવાદ તરફ આવી રહ્યો છે. જે બાતમીના આધારે અને ટેક્નિકલ સોર્સના આધારે પોલીસે ૮૪ જેટલા કેમેરા ચેક કર્યા હતા. અને બાતમી મુજબના ઈસમને અમદાવાદ એકસપ્રેસ ટોલનાકા પાસેથી ઝડપી પાડ્યો હતો. પુછપરછમાં આરોપીએ પોતાનુ નામ મેહુલકુમાર રમેશભાઈ તડવી(ઉ.વ.૩૦)જણાવ્યુ હતુ. તે મુળ સંખેડા તાલુકાના માનપુર ગામનો વતની છે. અને હાલ વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલ શુભમપાર્ક સોસાયટી તેમજ અમદાવાદના ઇસનપુર વટવા રોડ પર રહે છે. આરોપીએ પુછપરછમાં ગુનો કર્યાની કબુલાત કરી હતી. આમ, પાવીજેતપુર પોલીસે વનકુટિર પાસે હિટ એન્ડ રનમાં જીઆરડી જવાનના મોત મામલે આરોપીને ગણતરીના દિવસોમાં અટકાયત કરી જેલના હવાલે કર્યો હતો.