પંચમહાલમાં ‘જોશ ટીમ’ સાથે ટીબી મુક્ત ભારત અભિયાનનો શુભારંભ: NCC કેડેટ્સ અને MY Bharat વોલન્ટિયર્સ જોડાશે

પંચમહાલ જિલ્લામાં ટીબી મુક્ત ભારત અભિયાનને વધુ વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે ગોધરા જિલ્લા પંચાયત ખાતે ‘જોશ ટીમ’નો  શુભારંભ કરવામાં આવ્યો હતો. .

અત્રે ઉલ્લેખનીય છેકે, ‘જોશ ટીમ’માં વર્ગ ૧ના  નોડલ અધિકારી, ૫ MY Bharat વોલન્ટિયર્સ અને ૫ NCC કેડેટ્સનો સમાવેશ થાય છે. આ ટીમ જિલ્લામાં ઘરે-ઘરે જનજાગૃતિ ફેલાવવાની સાથે ટીબીના દર્દીઓની સમયસર ઓળખ અને નિદાન પ્રક્રિયામાં સક્રિય સહયોગ આપી ટીબી મુક્તિનો સંદેશ જન-જન સુધી પહોંચાડશે.

કાર્યક્રમના પ્રારંભે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગમીતે સ્વાગત પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, ‘સેવા, મારો યોગદાન’ જેવી વિવિધ પ્રવૃત્તિઓ થકી આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાને ટીબી મુક્ત કરવા માટે સઘન પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે આ લડતમાં સાંસદશ્રીઓ તેમજ સ્થાનિક મહાનુભાવો તરફથી મળી રહેલાં સાતત્યપૂર્ણ સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.ત્યારબાદ ઉપસ્થિત સૌ મહાનુભાવોએ દિલ્હી ખાતેથી આયોજિત ‘ટીબી મુક્ત ભારત’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું, જેમાં રાષ્ટ્રીય સ્તરે ‘જોશ ટીમ’ તેમજ ‘જોશ એપ’નું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે પંચમહાલ જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરી ટીબી મુક્ત જાહેર થયેલી ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ ટીબી સામેની લડતમાં નોંધપાત્ર યોગદાન આપનાર ‘ટીબી ચેમ્પિયન્સ’નું પણ પ્રશસ્તિપત્ર આપી વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યસભા સાંસદ શ્રી જશવંતસિંહ પરમાર, લોકસભા સાંસદ શ્રી રાજપાલસિંહ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રણવ વિજયવર્ગીય સહિત આરોગ્ય વિભાગ અધિકારીઓ તથા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.