પંચમહાલ જીલ્લામાં શ્રમયોગીઓ માટે આશાનું નવું કિરણ : ૧૬ ઓક્ટોબરે ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’નો શુભારંભ

જીલ્લામાં આવેલા નવ કેન્દ્રો ખાતેશ્રમિકો તેમજ તેમના પરિવારજનોને માત્ર રૂ. ૫/- ના રાહત દરે મળશે ભોજન

જિલ્લાના સાત તાલુકાઓમાં શ્રમયોગી કલ્યાણ બોર્ડના ઈ-નિર્માણ પોર્ટલ પર કુલ  ૨૬૮૧૮  શ્રમિકોની નોંધણી 

પંચમહાલ જિલ્લાના કડિયાકામ અને બાંધકામ ક્ષેત્રે પરસેવો પાડતા શ્રમજીવી પરિવારજનો માટે આ યોજના  આશીર્વાદરૂપ સાબિત થનાર છે.

પંચમહાલ જિલ્લામાં કડિયાકામ અને બાંધકામ ક્ષેત્રેના  શ્રમયોગીઓ તેમજ તેમના પરિવારજનો માટે આગામી ૧૬મી ઓક્ટોબર ૨૦૨૬ના રોજ જિલ્લામાં ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’નો શુભારંભ થનાર છે.  સાંસદ અને  ધારાસભ્યઓના વરદ હસ્તે શરૂ થનારી આ મહત્વાકાંક્ષી યોજના અંતર્ગત પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકા મથકો અને કડિયાનાકાઓ પર કુલ ૦૯ ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવનાર છે. આ કેન્દ્રો પરથી ઈ-નિર્માણ કાર્ડ ધરાવતા શ્રમિકો તેમજ તેમના પરિવારજનોને માત્ર રૂ. ૫/- ના રાહત દરે ગુણવત્તાસભર અને પોષણયુક્ત ભોજન મળનાર  હોવા સાથે મોંઘવારીના આ યુગમાં શ્રમજીવી પરિવારજનો માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થનાર છે.જ્યારે જિલ્લાના સાત તાલુકાઓમાં શ્રમયોગી કલ્યાણ બોર્ડના ઈ-નિર્માણ પોર્ટલ પર કુલ  ૨૬૮૧૮  શ્રમિકોની નોંધણી થયેલ છે.

પંચમહાલ જિલ્લામાં કડિયાકામ અને બાંધકામ ક્ષેત્રે પરસેવો પાડીને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપતા શ્રમયોગીઓ અને તેમના પરિવારજનોના આરોગ્ય તથા પોષણ સ્તરને ઉંચું લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.આગામી ૧૬મી ઓક્ટોબર ૨૦૨૬ના રોજ સવારે ૮:૦૦ વાગ્યે પંચમહાલ જિલ્લામાં ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’નો  શુભારંભ થવા જઈ રહ્યો છે. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના ઉપક્રમે શરૂ થનારી આ યોજના અંતર્ગત જિલ્લાના વિવિધ તાલુકા મથકો અને મુખ્ય સ્થળો પર કુલ ૦૯ ભોજન વિતરણ કેન્દ્રો કાર્યાન્વિત કરવામાં આવશે જેનો લાભ મોટી સંખ્યામાં શ્રમિકોને મળનાર છે.

જિલ્લામાં શરૂ થનાર આ યોજનાના વિવિધ કેન્દ્રો પર સ્થાનિક જનપ્રતિનિધિઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે. શહેરા  કેશવ ગ્રાઉન્ડ અણિયાદ ચોકડી ખાતે  ધારાસભ્ય જેઠાભાઈ આહીર , મોરવા હડફ માર્કેટિંગ યાર્ડ ચોકડી ખાતે ધારાસભ્ય નિમીષાબેન સુથાર,ઘોઘંબા ગ્રામ પંચાયત ખાતે રાજ્યસભા સાંસદ જશવંતસિંહ પરમારના, જાંબુઘોડા તાલુકા પંચાયતની સામે  ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર, કાલોલ બસ સ્ટેશન પાસે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને ગોધરા પટેલવાડા કડિયાનાકા ખાતે  ધારાસભ્ય સી.કે. રાઉલજી તેમજ ભુરાવાવ કડિયાનાકા ખાતે  પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવના વરદ હસ્તે ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરાવનાર છે.મોંઘવારીના આ યુગમાં બાંધકામ શ્રમિકોને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે આ યોજના અંતર્ગત માત્ર રૂ. ૫/- ના નામ માત્રના દરે પૌષ્ટિક ભોજન મળનાર છે.આ ભોજન થાળીમાં શ્રમિકોના સ્વાસ્થ્ય અને ઊર્જાને ધ્યાનમાં રાખીને રોટલી, તાજું શાક, કઠોળ, ભાત, અથાણું, મરચાં અને ગોળનો સમાવેશ કરવામાં આવ્યો છે.ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા સંચાલિત આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શ્રમિકોને આર્થિક બોજમાંથી મુક્તિ અપાવવાનો અને તેમને પૌષ્ટિક આહાર પૂરો પાડવાનો છે. ઈ-નિર્માણ પોર્ટલમાં નોંધાયેલા શ્રમિકોને આ યોજનાનો સીધો લાભ મળશે તેમજ જે શ્રમિકો પાસે હાલમાં ઈ-નિર્માણ કાર્ડ ઉપલબ્ધ નથી અથવા તો નોંધણી કરાવવાની બાકી છે, તેમના માટે પણ  સુવિધા ઉભી કરવામાં આવી છે. આવા શ્રમિકો માટે ભોજન વિતરણ બૂથ પર જ સ્થળ પર જ બાંધકામ શ્રમિકની હંગામી નોંધણી કરી આપવામાં આવશે અને  આ હંગામી નોંધણીના આધારે શ્રમિક સળંગ ૧૫ દિવસ સુધી રૂ. ૫/- માં ભોજન મેળવી શકશે અને ત્યારબાદ ૧૫ દિવસના સમયગાળા દરમિયાન તેમનું કાયમી ઈ-નિર્માણ કાર્ડ ઇશ્યૂ થઈ જશે, જેના આધારે તેઓને આ  કેન્દ્ર પર સવારમાં નિયમિત ભોજન મળનાર  છે.જિલ્લાના તમામ તાલુકા મથકોએ શરૂ થનારા આ કેન્દ્રો થકી હજારો શ્રમિક પરિવારો રોજિંદા જીવનમાં પોષણયુક્ત આહાર મેળવીને આત્મનિર્ભર બનશે અને  શ્રમજીવી  પરિવારજનો માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થનાર છે.

બોક્સ….

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના ઈ-નિર્માણ પોર્ટલ પર પંચમહાલ જિલ્લાના સાત તાલુકાઓમાં ૨૬૮૧૮  શ્રમિકો નોંધાયેલા છે.

૧..ઘોઘંબા..૧૧,૦૩૫

૨..ગોધરા..૪૫૯૪

૩..શહેરા..૩,૯૬૩

૪..હાલોલ..૨,૬૮૯

૫..કાલોલ..૧,૯૬૪

૬..મોરવા હડફ..૧,૮૬૩

૭..જાંબુઘોડા..૭૧૦