
ગામડાના છેવાડાના માનવી સુધી પહોંચતો સરકારી યોજનાનો લાભ: પગી સુખીબેન અર્જુનભાઈની બદલાતી જિંદગી.
પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકાના રતનપુર ગામના નિવાસી પગી સુખીબેન અર્જુનભાઈ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે રોજિંદા સંઘર્ષોમાંથી પસાર થઈ રહ્યા હતા.
આર્થિક રીતે નબળી સ્થિતિ ધરાવતા આ પરિવાર માટે દૈનિક જરૂરિયાતો પૂરી કરવી પણ એક પડકારપ બાબત હતી. સામાન્ય રીતે ગ્રામીણ વિસ્તારના ગરીબ પરિવારોને સરકારી યોજનાઓના લાભ મેળવવા માટે વિવિધ કચેરીઓના ફેરા મારવા પડતા હોય છે, પરંતુ સુખીબેન માટે સરકારી તંત્રનો એક નવો જ સાકાર અને સંવેદનશીલ ચહેરો સામે આવ્યો.
રાજ્ય સરકારના ‘૭૨ કલાક વિધાનસભા કાર્યક્રમ’ અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા છેવાડાના માનવી સુધી સીધા જઈને યોજનાકીય લાભો પહોંચાડવાની એક વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં મોરવા હડફ મામલતદાર કચેરીની ટીમ દ્વારા સુખીબેનની પરિસ્થિતિની તાત્કાલિક નોંધ લેવામાં આવી હતી.
વહીવટી તંત્રની ઝડપી અને સંવેદનશીલ કામગીરીના પરિણામે, સુખીબેન અર્જુનભાઈને મોરવા હડફ મામલતદાર કચેરી દ્વારા કોઈ પણ જાતની વિલંબ વગર સ્થળ પર જ તાત્કાલિક ધોરણે ‘અંત્યોદય રેશન કાર્ડ’ બનાવીને સુપ્રત કરવામાં આવ્યું. આ સમગ્ર પ્રક્રિયા એટલી ત્વરિત અને પારદર્શક હતી કે સુખીબેન અને તેમનો પરિવાર તંત્રની આ કાર્યશૈલીથી ગદગદ થઈ ગયો હતો. મંત્રીની હાજરીમાં હાથોહાથ મળેલા આ લાભથી પરિવારના મુખ પર એક અલગ જ ખુશી અને સંતોષ જોવા મળ્યો હતો.
અંત્યોદય રેશન કાર્ડ મળવાથી હવે સુખીબેનના પરિવારને દર મહિને વ્યાજબી ભાવે જરૂરી અનાજ અને રાશન મળી રહેશે, જેનાથી તેમના પરિવારની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત થઈ છે. ’૭૨ કલાક વિધાનસભા કાર્યક્રમ’ માત્ર એક સરકારી ઉપક્રમ ન બની રહેતાં, સુખીબેન જેવા અનેક જરૂરિયાતમંદ પરિવારો માટે આશાનું કિરણ સાબિત થયો છે.
આ પ્રસંગ એ વાતનું ઉત્તમોત્તમ ઉદાહરણ છે કે જ્યારે સંવેદનશીલ નેતૃત્વ અને તત્પર વહીવટી તંત્ર એકસાથે મળે છે, ત્યારે નાગરિકોના જીવનમાં વાસ્તવિક અને સકારાત્મક પરિવર્તન આવે છે.