પંચમહાલ જિલ્લામાં ટેકાના ભાવે ડાંગરનુ વેચાણ કરવા 3474 ખેડુતોએ નોંધણી કરાવી છેે. સરકારે ખરીદી શરૂ કરવાની જાહેરાત કરવા છતાં પંચમહાલમાં ખરીદી શરૂ થઇ ન હતી. વિભાગ દ્વારા ખેડુતોને મેસેજ કર્યો હોવાનો દાવો કરાય છે. પણ ખરીદી કેન્દ્ર પર સ્ટાફ સહિતની તૈયારીઓ કરી ન હોવાથી ટેકાના ભાવની ખરીદીમાં સમય લાગી શકે તેમ છે. પંચમહાલમાં કમોસમી વરસાદથી ખેડુતોના ડાંગરના પાકને ભારે નુકસાન થયુ છે.
ત્યારે ખેડુતોએ ડાંગર સુકવીને ટેકાના ભાવની ખરીદીની રાહ જોયા વગર અમુક ખેડુતો બજારમાં ખાનગી વેપારીને ડાંગર સસ્તા ભાવમાં વેચી નાંખી છે. સરકારની ટેકાની ડાંગર એક મણે રૂ.476 ના ભાવે ખરીદવાની જાહેરાત કરી છે. જિલ્લામાં 12 હજાર કરતા વધુ ખેડુતોએ 49 હજાર હેકટરમાં ડાંગરની ખેતી કરી હતી. ત્યારે ટેકાના ભાવની ખરીદી માટે જિલ્લાના 3474 ખેડુતોએ નોંધણી કરાવી છે. લાંબા વિરામ બાદ સરકારે ટેકાના ભાવની ખરીદી કરવાની જાહેરાત કરતા રાજયના અલગ અલગ સ્થળે ખરીદી શરૂ થઈ છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં ટેકાના ભાવની ખરીદી માટે 6 જેટલા સ્થળે કેન્દ્રો ખોલવામાં આવશે. પણ હજુ સુધી ખરીદી કેન્દ્ર પર સ્ટાફ સહિતની તૈયારીના કોઈ ઠેકાણા નથી. ગાંધીનગર પુરવઠા વિભાગ દ્વારા 5/5 ખેડુતોને વેચાણ માટેના મેસેજ મોકલ્યા છે. ત્યારે તેઓ ખરીદ કેન્દ્ર પર ડાંગર લઈને આવશે. પરંતુ કેન્દ્ર પર તૈયારી વહેલી કરે તો ખેડુતો ટેકાના ભાવે ડાંગર વેચાણ કરી શકશે નહિ તો ખેડુતોને ધકકા ખાવાનો વારો આવશે.