નવસારીમાં ૩૯ વર્ષીય મહિલાએ જીવન ટૂંકાવ્યું, ધોરણ-૧૨માં ભણતી દીકરીએ માતા ગુમાવી

નવસારીના તીઘરા રોડ પર આવેલા શાશ્વત એપાર્ટમેન્ટમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં ૩૯ વર્ષીય કોમલબેન હાર્દિક શાહે એપાર્ટમેન્ટના ધાબા પરથી નીચે ઝંપલાવતાં તેમનું મોત થયું હતું. ઘટનાને પગલે પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

મળતી માહિતી મુજબ, કોમલબેને આજે સવારે આશરે ૧૧ઃ૩૦ વાગ્યે આ પગલું ભર્યું હતું. તેમના પતિ હાર્દિક શાહના જણાવ્યા અનુસાર, કોમલબેન છેલ્લા કેટલાક સમયથી બીમારીથી પીડાતાં હતાં અને તેમની સારવાર પણ ચાલી રહી હતી. પ્રાથમિક આશંકા મુજબ, બીમારીને કારણે તેમણે આ પગલું ભર્યું હોઈ શકે છે. જોકે, ઘટનાનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

કોમલબેનના પરિવારમાં તેમના પતિ હાર્દિકભાઈ, વૃદ્ધ સાસુ અને ૧૮ વર્ષીય દીકરી છે. દીકરી ધોરણ-૧૨માં અભ્યાસ કરે છે. માતાના અચાનક નિધનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

ઘટનાની જાણ થતાં નવસારી ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. ટાઉન પોલીસ મથકના પીઆઇ એમ.એમ. ગામીતે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા ઘટનાના સંજાગો અને કારણ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.