
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મંગળવારે એસસીઓ (શાંઘાઈ સહકાર સંગઠન) સરકારના વડાઓની પરિષદની બેઠકમાં આતંકવાદ સામે કડક વલણ અપનાવ્યું. સભ્યોને સંબોધતા તેમણે કહ્યું કે આતંકવાદ આજે પણ શાંતિ અને વિકાસ માટે સૌથી ગંભીર ખતરાઓમાંથી એક છે. નોંધનીય છે કે રાજનાથ સિંહની આતંકવાદ વિરુદ્ધ ટિપ્પણી દરમિયાન પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઇશાક ડાર પણ હાજર હતા.
રાજનાથ સિંહે કહ્યું, “આતંકવાદ માત્ર નિર્દોષ લોકોના જીવ લેતો નથી પણ રોકાણ અને વેપારમાં પણ વિક્ષેપ પાડે છે. તે સમાજમાં કટ્ટરવાદ ફેલાવે છે અને આપણા યુવાનોને તેઓ લાયક તકોથી વંચિત રાખે છે.”
રક્ષા મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે આતંકવાદને કોઈપણ રીતે વાજબી ઠેરવી શકાય નહીં. તેમણે કહ્યું, “આતંકવાદ સામે લડવામાં બેવડા ધોરણો ન હોવા જોઈએ. આતંકવાદીઓને નાણાં પૂરા પાડનારા, ટેકો આપનારા અથવા સુરક્ષિત આશ્રય આપનારાઓ માટે કોઈ સ્થાન ન હોવું જોઈએ. આતંકવાદના સમગ્ર નેટવર્કને મજબૂતીથી અને સામૂહિક રીતે તોડી પાડવું જોઈએ.”
૧૫ ઓક્ટોબરના રોજ, સરહદ પાર આતંકવાદ પર ભારતના વલણને પુનરાવર્તિત કરતા, રાજનાથ સિંહે કહ્યું હતું કે પાકિસ્તાન તરફથી આગળ કોઈપણ આતંકવાદી કૃત્યોનો વધુ મજબૂત જવાબ આપવામાં આવશે. તેમણે ભાર મૂક્યો હતો કે જ્યારે ભારતની સાંસ્કૃતિક પરંપરા વાતચીત, સહઅસ્તીત્વ અને વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલને સમર્થન આપે છે, ત્યારે શાંતિ પ્રત્યેની ભારતની પ્રતિબદ્ધતાને નબળાઈ ન માનવી જોઈએ.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે દુશાંબેમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સરકારના વડાઓની બેઠક દરમિયાન તાજિકિસ્તાનના વડા પ્રધાન કોહિર રસુલઝોદા અને ઈરાનના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ રેઝા આરેફ સાથે મુલાકાત કરી.
એકસ (અગાઉ ટીવટર) પર એક પોસ્ટમાં, સંરક્ષણ મંત્રીએ કહ્યું, “દુશાંબેમાં એસસીઓ સરકારના વડાઓની બેઠકની શરૂઆતમાં તાજિકિસ્તાનના વડા પ્રધાન મહામહિમ કોહિર રસુલઝોદાને મળીને આનંદ થયો. મેં ભારત અને તાજિકિસ્તાન વચ્ચેના લાંબા સમયથી ચાલતા સાંસ્કૃતિક સંબંધો અને બંને દેશોના લોકો વચ્ચેના ઊંડા જાડાણો પર ભાર મૂક્યો.”
એકસ પરની બીજી પોસ્ટમાં, રાજનાથ સિંહે ઈરાનના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ રેઝા આરેફ સાથેની તેમની મુલાકાતની વિગતો શેર કરી. તેમણે લખ્યું, ‘દુશાંબેમાંસરકારના વડાઓની બેઠક દરમિયાન ઈરાનના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ મહામહિમ શ્રી મોહમ્મદ રેઝા આરેફને મળીને આનંદ થયો.’