
યાત્રાધામ અંબાજી નજીક આવેલા કુંભારિયા વિસ્તારમાં બપોર બાદ હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળ્યો હતો. આકાશમાં કાળા વાદળો ઘેરાયા ત્યારબાદ વરસાદ શરૂ થયો હતો.
અંબાજી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં રસ્તાઓ અને રહેણાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અચાનક આવેલા આ વરસાદથી સ્થાનિક લોકો તેમજ દર્શન માટે આવેલા યાત્રાળુઓને હવામાનમાં આવેલા બદલાવનો અનુભવ થયો હતો
કમોસમી વરસાદ અને ઠંડા પવનને કારણે અંબાજી પંથકમાં વાતાવરણ આહલાદક બન્યું હતું. જેથી ગરમીથી લોકોને રાહત મળી હતી. જોકે, વરસાદના કારણે બહાર નીકળેલા લોકોને અચાનક બદલાયેલા હવામાનનો સામનો કરવો પડ્યો હતો.
એક તરફ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો બીજી તરફ ખેતીવાડી ક્ષેત્રે તેની અસર અંગે ચિંતા ઊભી થઈ છે. અંબાજી, કુંભારિયા અને આસપાસના ગામોમાં અણધાર્યા વરસાદને કારણે ખેતરોમાં ઊભા પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે.જોકે, વરસાદના કારણે પાકને કેટલું નુકસાન થયું છે તે અંગેની ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. વરસાદની માત્રા અને તેની ખેતી પર થતી અસર અંગે વધુ વિગતો સામે આવ્યા બાદ સ્થીતિ સ્પષ્ટ થશે.