અમદાવાદમાં નવરાત્રિના છેલ્લા નોરતે ચોરોનો તરખાટ, બંધ મકાનમાંથી ૩૫ તોલા સોનું ગાયબ

નવરાત્રિના છેલ્લા નોરતે અમદાવાદના નારોલ વિસ્તારમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. પરિવાર કાંકરિયા સ્થિત ઈક્કા ક્લબમાં ગરબા રમવા ગયો હતો, ત્યારે તસ્કરો ઘરમાં ઘૂસી ગયા હતા. લોખંડની જાળીના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશેલા ચોરો ૩૫ તોલા સોનાના દાગીના અને રૂ.૫.૨૦ લાખ રોકડ સહિત કુલ રૂ.૧૯.૧૦ લાખની મત્તા ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. પરિવાર પરત ફર્યો ત્યારે ઘરમાં સામાન વેરવિખેર અને તિજારીઓ ખુલ્લી હાલતમાં મળી આવી હતી. આ મામલે નારોલ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, નારોલની રણછોડપાર્ક સોસાયટીમાં રહેતા અને સાણંદ જીઆઇડીસીમાં નોકરી કરતા મયુરભાઈ પંચાલ ૧૮ ઓક્ટોબરની રાત્રે પરિવાર સાથે મકાનને તાળું મારી ગરબા રમવા ગયા હતા. પરિવાર કાંકરિયા સ્થિત ઈક્કા ક્લબમાં ગરબા રમવા ગયો હતો.

મોડી રાત્રે આશરે ૩ વાગ્યે પરિવાર ઘરે પરત ફર્યો ત્યારે મુખ્ય દરવાજા ખુલ્લો જોવા મળ્યો હતો. ઘરની અંદર તપાસ કરતાં બેડરૂમ અને મંદિરના રૂમમાં આવેલી તિજારીઓ ખુલ્લી હતી અને સામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો. આ જોઈ પરિવારને ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી.

તસ્કરો ઘરની તિજારીઓનાં લોકર તોડીને સોનાના વિવિધ દાગીના અને રોકડ રકમ ચોરી ગયા હતા. ફરિયાદ મુજબ, ચોરો આશરે ૩૫ તોલા સોનાના દાગીના, જેની કિંમત રૂ.૧૩.૯૦ લાખ દર્શાવવામાં આવી છે, ઉપરાંત રૂ.૫.૨૦ લાખ રોકડ લઈ ફરાર થયા હતા.

આમ, ચોરી થયેલી કુલ મત્તાની કિંમત રૂ.૧૯.૧૦ લાખ થાય છે. પરિવાર ગરબા રમવા ગયો હતો તે દરમિયાન તસ્કરોએ ઘરને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો.

ઘટના અંગે મયુરભાઈ પંચાલે નારોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે અને આરોપીઓને શોધવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની કાર્યવાહી હાથ ધરી છે.

નવરાત્રિ દરમિયાન પરિવાર ઘરની બહાર ગયો હોવાનો લાભ લઈને ચોરી કરવામાં આવી હોવાની આશંકા છે. જોકે,

ચોરીમાં કેટલા લોકો સામેલ હતા અને તેઓ કયા રસ્તે આવ્યા-ગયા હતા તે સહિતની વિગતો પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે.