નવરાત્રિની રાતે રાજકોટમાં લોહિયાળ ખેલ,૨૮ વર્ષીય યુવકની છરીના ઘા મારી હત્યા

રાજકોટમાં નવરાત્રિના બીજા નોરતાની રાતે હત્યાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આંબેડકર સર્કલ નજીક ૨૮ વર્ષીય પરેશ ચૌહાણ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર ઈજાઓને કારણે તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાના ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ સામે આવ્યા હોવાની માહિતી છે, જેમાં હુમલાની ઘટના કેદ થઈ હોવાનું જણાવાયું છે.

પ્રાથમિક માહિતી અનુસાર, બાઈક અથડાવવાની બાબતે અગાઉ થયેલી માથાકૂટના સમાધાન દરમિયાન પરેશ ચૌહાણ પર હુમલો કરવામાં આવ્યો હતો. મૃતકને અગાઉ રાધે રાઠોડ નામના વ્યક્તિ સાથે ઝઘડો થયો હોવાનું પણ સામે આવ્યું છે. જોકે, હત્યા પાછળનું ચોક્કસ કારણ અને તેમાં સંડોવાયેલા લોકોની ભૂમિકા અંગે પોલીસ તપાસ કરી રહી છે.

મૃતકના મિત્ર જયેન્દ્ર વાઘેલાના જણાવ્યા મુજબ, ઘટનાની રાત્રે પરેશ ચૌહાણ આંબેડકરનગર વિસ્તારમાં એકટીવા પર બેઠા હતા. તે સમયે બે શખસો ત્યાં આવ્યા અને તેમની સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. ત્યારબાદ બંનેએ ફોન કરીને અન્ય બે લોકોને બોલાવ્યા હતા. ચારેય શખસો ભેગા થયા બાદ પરેશ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પરેશનું મોત નીપજ્યું હતું.

આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હોવાની માહિતી છે. તેમાં એક શખસ યુવકને પકડી રાખતો અને બીજા તેના પર છરી વડે હુમલો કરતો હોવાનું જણાવાયું છે. જોકે, ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ અને ઘટનાક્રમની પુષ્ટિ પોલીસ તપાસ બાદ જ થઈ શકશે.

મૃતકના મિત્રના જણાવ્યા મુજબ, પરેશના પરિવારમાં તેમનાં માતા-પિતા, ભાઈ અને ભાભી છે. ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મૃતકના પિતા અને સાક્ષીઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અને નિવેદન આપવા પહોંચ્યા હોવાનું જણાવાયું છે.

મૃતકના મિત્રએ વિસ્તારમાં દારૂના ખુલ્લેઆમ વેચાણના આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે દારૂના કારણે ઝઘડા અને ગુનાખોરી વધતી હોવાની ચિંતા છે. તેમણે દારૂના વેચાણ સામે કડક કાર્યવાહી કરવા અને ગુનાખોરી પર અંકુશ મૂકવાની માગ કરી હતી. આ સાથે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને પરિવારને ન્યાય અપાવવાની પણ માગ કરવામાં આવી છે.

રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ નજીક બનેલી આ ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હત્યા પાછળનું ચોક્કસ કારણ, આરોપીઓની સંડોવણી અને ઘટનાની તમામ કડીઓ તપાસ બાદ સ્પષ્ટ થશે.