નસવાડી જુથ ગ્રામ પંચાયતમાં ૧૨ સભ્યો દ્વારા સરપંચ સામે અવિશ્ર્વાસની દરખાસ્ત

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી જુથ ગ્રામ પંચાયતમાં ૧૨ વોર્ડ આવેલા છે. એક વર્ષ ઉપરાંતનો સમય પહેલા નસવાડી જુથ ગ્રામ પંચાયતની સરપંચની ચુંટણી યોજાઈ હતી. જેમાં સરપંચ તરીકે તડવી મેહુલભાઈ પ્રકાશભાઈ ચુંટાયા હતા.

છેલ્લા કેટલાક સમયથી સરપંચ ગ્રામ પંચાયતમાં મનસ્વી રીતે વહીવટ ચલાવતા હોવાથી સભ્યો અને સરપંચ વચ્ચે ખટરાગ ચાલતો હતો. નસવાડી જુથ ગ્રામ પંચાયતની બોડી અસ્તિત્વમાં આવી ત્યારથી ગ્રામ પંચાયત દ્વારા ખર્ચા કરાતા હતા. તેનો વિગતવાર હિસાબ ગ્રામ પંચાયત સભ્યોને આપતા ન હતો. સભ્યોએ વારંવાર રજુઆત કરી છતાં ગ્રામ પંચાયતમાં વેરાની આવકનો હિસાબ પણ આપતા ન હતા. જુથ ગ્રામ પંચાયતમાં દર વર્ષે એક કરોડથી વધારે વેરાની વસુલાત થતી હોવા છતાં નાણાં કયાં વાપરવામાં આવ્યા તેની માંગણી સભ્યો દ્વારા કરાઈ હતી. જયારે રૂ.૪ કરોડ ઓકટોયના તફાવતની ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવી ૧૫માં નાણાંપંચના રૂ.૫૦ લાખ સરકાર દ્વારા ફાળવ્યા પરંતુ આ તમામ નાણાંનો ખર્ચ ૪ વર્ષથી કરતા ન હતા.રૂ.૪.૩૦ કરોડ રકમ નસવાડી જુથ ગ્રામ પંચાયતના એકાઉન્ડમાં પડી છે. સભ્યો દ્વારા આ નાણાં વાપરવા માટે અને વિકાસના કામો કરવા માટે વારંવાર રજુઆતો કરી હતી. પરંતુ આજ સુધી સરપંચ દ્વારા નાણાંની કાર્યવાહી ન કરાતા રોષે ભેરાયેલા ૧૨ સભ્યોને નસવાડી જુથ ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્ર્વાસની દરખાસ્ત કરી છે. નસવાડી જુથ ગ્રામ પંચાયતના સરપંચે અવિશ્ર્વાસની દરખાસ્ત બાદ તેને પુછતા તેણે જણાવ્યુ કે, સભ્યો ભ્રષ્ટાચાર કરવા માંગે છે અને તેમના તાબે ના થતાં મારી વિરુદ્ધ અવિશ્ર્વાસની દરખાસ્ત લાવ્યા છે.