મોરવા (હ) તાલુકાના વંદેલી ગામે નવરાત્રી જોવા જતાં યુવકની બાઇકને ટક્કર : એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત, બાઇક ચાલક સામે ગુનો દાખલ

મોરવા હડફ તાલુકાના વંદેલી ગામે નવરાત્રીમાં ગરબા જોવા નીકળેલા બે યુવકો પૈકી એક યુવકને પૂરઝડપે આવી રહેલી બાઇકના ચાલકે જોરદાર ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૧૯ વર્ષીય યુવકના હાથ અને પગમાં ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર અર્થે ખસેડાયો હતો. બનાવ સંદર્ભે મોરવા હડફ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગત મુજબ, વંદેલી ગામના નદી ફળિયા ખાતે રહેતા બીપીનકુમાર શંકરભાઈ બારીઆ પોતાના કાકાના દીકરા નિતેશકુમાર વજેસિંહ બારીઆ સાથે બાઇક લઈને ગામમાં નવરાત્રી જોવા માટે નીકળ્યા હતા. રાત્રિના આશરે અગિયારેક વાગ્યે વંદેલી ગામના પોસ્ટ ફળિયામાં ગોડાઉન પાસે તેઓએ બાઇક સાઇડમાં ઊભી રાખી હતી. દરમિયાન, ગામના જ મીતેશભાઈ રમેશભાઈ પટેલ પોતાની પલ્સર બાઈક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આગળ જતી ઇકો ગાડીને ઓવરટેક કરવા જતાં સાઇડમાં ઊભેલી બાઇક સાથે સામેથી ધડાકાભેર અથડાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક પર બેઠેલા નિતેશકુમાર નીચે પટકાયા હતા, જ્યારે અકસ્માત સર્જનાર ચાલક પણ બાઇક સાથે ગટરમાં ખાબક્યો હતો. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બંનેને સારવાર અર્થે ખસેડાયા હતા. ગંભીર રીતે ઘવાયેલા નિતેશકુમારને મોરવા હડફ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલથી વધુ સારવાર માટે ગોધરા, વડોદરાની જજૠ હોસ્પિટલ અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તબીબી તપાસ દરમિયાન નિતેશકુમારના જમણા હાથની ત્રણ આંગળીઓ તથા જમણા પગની બે આંગળીઓમાં ફ્રેક્ચર જણાઈ આવતાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઈજાગ્રસ્તની સારવાર પૂર્ણ થયા બાદ બીપીનકુમાર બારીઆએ મોરવા હડફ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બાઇક ચાલક મીતેશભાઈ પટેલ વિ‚દ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.