ધોધંબાના પાલ્લી પ્રાથમિક શાળાના શિક્ષકનો વય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો

ઘોઘંબા તાલુકાના પાલ્લી ગામે આવેલ પાલ્લી પ્રાથમિક શાળાના શિક્ષક લક્ષમણસિંહ રતનસિંહ ચૌહાણનો વય નિવૃત્તિ સન્માન સમારોહ આજરોજ યોજાયો હતો. પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ નટવરસિંહ ચૌહાણ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિપુલભાઈ પટેલ, બીઆરસી કોઓર્ડીનેટર ચીમનભાઈ પટેલ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં તાલુકા શિક્ષણ કચેરીના અધિકારીઓ, બીટ કેળવણી નિરીક્ષકો, સીઆરસી કોઓર્ડીનેટર, શિક્ષક સંઘ અને શૈક્ષિક સંઘના હોદ્દેદારો, શાળાના આચાર્ય અને સ્ટાફગણ, શાળાની જખઈ સમિતિના સભ્યો, આસપાસની શાળાના આચાર્યો અને શિક્ષકો, વાલીઓ, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્યએ સ્વાગત કર્યુ હતું. શાળાની બાળાઓએ પ્રાર્થના, સ્વાગત ગીત અને વિદાયગીત રજૂ કર્યા હતા. ધોરણ ૮ ના વિદ્યાર્થીએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. મુખ્ય મહેમાનોએ પ્રાસંગિક ઉદબોધન કરી નિવૃત્તિ લઇ રહેલા શિક્ષકની નિષ્ઠાપૂર્વકની કામગીરીને બિરદાવી હતી. નિવૃત્તિ પછી આનંદમય જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. નિવૃત્તિ લઇ રહેલા શિક્ષકે પોતાની શિક્ષક તરીકેની કારકિર્દી અને નોકરીના વર્ષોના સંસ્મરણો વ્યક્ત કર્યા હતા. નિવૃત્તિ લઇ રહેલા શિક્ષકને સ્મૃતિભેટ આપવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક હિમાંશુ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.