કવાંટ તાલુકામાં માતા-બાળ મરણ અટકાવવા એક દિવસીય વર્કશોપ યોજાયો

છોટાઉદેપુર જીલ્લા પંચાયત આરોગ્ય શાખા, કવાંટ તાલુકા હેલ્થ કચેરી અને દિશા ડોન બોસ્કો, કવાંટ દ્વારા એક દિવસીય વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપનો મુખ્ય હેતુ માતા અને બાળ મરણ અટકાવવાનો હતો.

મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. પાઉલ વસાવાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. કવાંટ તાલુકા પંચાયતના પ્રમુખ તેજલબેન રાઠવા, ડો. પાઉલ વસાવા અને જીલ્લા RCHO ડો. મુકેશ પટેલની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરીને તેનું ઉદ્ઘાટન કરાયું હતું.

વર્કશોપમાં ઘરે પ્રસૂતિ કરાવવાની પ્રથા બંધ કરીને સંસ્થાકીય પ્રસૂતિને પ્રોત્સાહન આપવા પર ખાસ ભાર મુકાયો. કવાંટ એસ્પિરેશનલ તાલુકો હોવાથી, આરોગ્ય ચેતના ઉત્સવ હેઠળ સિકલસેલ, એનિમિયા, માતા અને બાળ મરણ ઘટાડવા પર ધ્યાન અપાયું. સરકારી આરોગ્ય યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવા વિશે પણ વિસ્તૃત માર્ગદર્શન અપાયું.

માતા અને બાળ મરણ માટે જવાબદાર કારણો પર ચર્ચા થઈ. તેમાં અપૂરતું પોષણ, શિક્ષણ અને આરોગ્યની સમજણનો અભાવ, બાળકને પૂરતું ધાવણ ન મળવું, પીવાના પાણીની અપૂરતી સુવિધા અને નાની ઉંમરે લગ્ન જેવા મુદ્દાઓ સામેલ હતા. માતા અને બાળકને સમયસર યોગ્ય આરોગ્ય સેવા અને પોષણ મળે, તેમજ સરકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ મળે તે માટે સૌને સહભાગી બનવા અપીલ કરાઈ. આ પ્રસંગે ડોન બોસ્કો હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનું લેબ ટેસ્ટ, આરોગ્ય સ્ક્રિનિંગ અને હેલ્થ ચેકઅપ પણ કરાયું હતું.

આ કાર્યક્રમમાં કવાંટ તાલુકા પંચાયતના પ્રમુખ તેજલબેન રાઠવા, ઉપપ્રમુખ શૈલેષભાઈ, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. પાઉલ વસાવા, જીલ્લાRCHO ડો. મુકેશ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ડો. પઠાણ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા. તાલુકા અને જીલ્લા પંચાયતના સભ્યો, કવાંટ તાલુકાના સરપંચો, દાયણ બહેનો, આશા બહેનો, ડોકટરો, સુપરવાઈઝરો, સિકલસેલ કાઉન્સેલરો, લેબ ટેકનિશિયન અને ફાર્માસિસ્ટ સહિત આરોગ્ય વિભાગનો મોટો સ્ટાફ પણ ઉપસ્થિત હતો.આ એક દિવસીય વર્કશોપનું સફળ સંચાલન કવાંટ તાલુકાના સુપરવાઈઝર રણછોડભાઈ રાઠવાએ કર્યું હતું.